રાજેન્દ્ર પટેલ ~ વૃક્ષ

જ્યારથી વૃક્ષ ઉપરથી

પહેલું પંખી ગીત ગાઈને ઊડી ગયું

ત્યારથી વૃક્ષ ઝૂરતું રહ્યું એના માટે

એ ઝુરાપામાં ને ઝુરાપામાં

એને ફણગી ઊઠ્યાં ફળ

લચી પડ્યા ફૂલ

જેટલી વાર કોઈ મધમાખીએ ચૂસ્યાં ફૂલ

જેટલી વાર કોઈ પંખીએ કોચ્યાં ફળ

વૃક્ષ ફરી ફરીને ફણગતું રહ્યું

પેલું પંખી તો પાછું ફર્યું નહીં

પણ વૃક્ષ જીવતું રહ્યું એની રાહમાં

એ ફર્નિચર બની ગયું તોય॰ 

એક દિવસ

હું એ લાકડાના ટેબલ ઉપર કવિતા લખવા બેઠો

અચાનક એક ગીત ટેબલ વાટે

કાગળમાં ઊતરી આવ્યું.

એ દિવસથી

જ્યારે જ્યારે આકાશમાં ઊડતાં પંખીને જોઉં છું ત્યારે

હંમેશાં એમાં વૃક્ષ ઊડતાં દેખાય છે.

– રાજેન્દ્ર પટેલ

વૃક્ષ ઝૂરે છે, એની ડાળ પરથી ઊડી ગયેલા પંખીની યાદમાં. જો કે નિત નવાં પક્ષીઓ આવતાં રહે છે અને વૃક્ષના જીવને હાશ આપતાં રહે છે. એ ફળ-ફૂલ આપવામાં ક્યારેય કંજુસાઈ કરતું નથી. આપવું એનો ધર્મ છે એટલે એ કુહાડીનો સામનો નથી કરી શકતું પણ ટેબલ પરથી ગીતરૂપે જન્મી શકે છે ! આવી કુહાડીઓ મૌન ધારણ કરીને ક્યાંક દટાઈ જાય તો આ પૃથ્વી ટહૂકાઓના ગીતોથી ભરાઈ જાય. 

કોવિદ મહામારી ભલે માનવસર્જિત હોય, પણ કુદરત કોપી છે એવું યે સમજાય છે. માનવીએ કુદરતને રંજાડવામાં કોઈ કસર છોડી નથી. વૃક્ષોનું નિકંદન કાઢ્યું છે. વનો વિનાશના આરે છે. માનવી ઑક્સીજન માટે તરફડિયાં મારે  છે. હજી જો નહીં સુધરીએ તો સપનામાં જ વૃક્ષોને જોવાના દિવસો આવી જશે.

5.6.21

***

દીપક વાલેરા

14-06-2021

વાહ ખૂબ સરસ રચના

Chetan Shukla

09-06-2021

સરસ રચના

Varij Luhar

07-06-2021

રાજેન્દ્ર પટેલ નું કાવ્ય આસ્વાદ ગમ્યા

kishor Barot

06-06-2021

આ અદ્ભૂત વાંચી ખરેખર મોર્નિંગ ગુડ થઈ ગયું.

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

05-06-2021

કવિ રાજેન્દ્ર પટેલની આ કવિતા વૃક્ષ સાથે સાયુજ્ય સાધીને લખાઈ છે, અને સમ-સંવેદનાનો વિસ્તાર થયો છે.
આપની નોંધ સાથે હું સહમત છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: