લલિત ત્રિવેદી ~ સાવ સામે છો

યાને એક મંદિર છે

સાવ સામે છો તું, ઈશ્વર ! યાને એક મંદિર છે
આપણી વચ્ચે છે અંતર યાને એક મંદિર છે !

મેં મને પોતાને કંડારી ઘડેલો છે તને
જોઈ લે… એકેક પથ્થર યાને એક મંદિર છે.

બાપદાદાના સમયથી એક ખૂણો છે હજી
મારું પોતાનું જ આ ઘ૨ યાને એક મંદિર છે

ક્યાં સુધી ઈશ્વર છે તું ને ક્યાં સુધી નશ્વર છું હું
ક્યાં સુધી મારું મુકદ્દર યાને એક મંદિર છે

ક્યાંથી આ મધરાતમાં ખુશ્બૂ પૂજાના ફૂલ-શી
ક્યાંથી આ વગડે છે ઝાલર યાને એક મંદિર છે

એક દી’ જોયું કે મારામાં ય એક સૂરદાસ છે
એક દી’ જોયું કે ભીતર યાને એક મંદિર છે !

~ લલિત ત્રિવેદી

5 thoughts on “લલિત ત્રિવેદી ~ સાવ સામે છો”

  1. સરસ કવિતાઓ છે. ‘સૂર્યના ઊગવા સમું બને છે ક્યાં ‘ એવાતનો મર્મ સમજવા જેવો છે. અભિનંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *