રવીન્દ્રનાથ ટાગોર ~ જીવન જ્યારે સુકાય * Rabindranath Tagore

જીવન જ્યારે સુકાય ત્યારે કરુણાધારે આવો
સકળ માધુરી સુકાય જાય, ગીતસુધારસે આવો

કર્મ પ્રબળ આકારે જ્યારે, ગાજે-ઘેરે ચારે કોરથી ત્યારે
હૃદયપ્રાંગણે હે જીવનનાથ! શાંત પગલે આવો

દીન બની મન મારું જ્યારે ખૂણે પડી રહે થાકીને ત્યારે
દ્વાર ખોલી હે ઉદાર નાથ! વાજતે ગાજતે આવો

વાસના ધૂળ ઊડાડીને જ્યારે અંધ કરે આ અબોધને ત્યારે
હે પવિત્ર, હે અનિંદ્ર, રુદ્ર તેજે આવો!

~ રવીન્દ્રનાથ ટાગોર

સમગેય અનુવાદ : ગાન: અમર ભટ્ટ

ગાંધીજીને ટાગોરની આ રચના પ્રિય હતી. કહે છે કે ટાગોર ગાંધીજીને પૂનાની જૅલમાં મળવા માટે ખાસ શાંતિનિકેતનથી પૂના ગયેલા. 26 સપ્ટેમ્બર 1932ના દિવસે બંનેનું મિલન થયું. તે જ દિવસે અંગ્રેજ વડાપ્રધાને પૂના સમજૂતીને મંજૂરી આપી છે એવા સમાચાર મળતા ગાંધીજીના ઉપવાસ પૂર્ણ થયા. ત્યાં ગાંધીજીની ઈચ્છાથી ટાગોરે આ રચના મૂળ બંગાળીમાં ગાયેલી. કહે છે કે પછી જયારે પણ ઉપવાસ પૂર્ણ થાય ત્યારે આ રચના ગવાય એવો શિરસ્તો થઇ ગયેલો.

ઇતિહાસવિદ રામચંદ્ર ગુહાના પુસ્તક  ‘Gandhi the years that changed the world 1914-1948’ માં ગાંધી-ટાગોરના આ મિલનની આમ નોંધ છે: ‘….on the afternoon of the 26th, the poet ‘bent with age and covered with a long flowing cloak proceeded step by step very slowly to greet Gandhiji who was lying in bed. Bapuji…. affectionately embraced Tagor, and then began to comb his white beard with his shaking fingers, like a child. …To celebrate, Tagore sang a verse …..from Gitanjali. Kasturba then offered her husband some orange juice,…’

મહાદેવભાઈની ડાયરીમાં પણ આમ નોંધ છે:

‘કવિએ “જીવન જખન શુકાયે જાયે” ગાયું. સુભાગ્યે એ મારી પાસે લખેલું હતું. એનો રાગ એ તો ભૂલી જ ગયા હતા.’ આજની પરિસ્થિતિમાં ટાગોરની આ પ્રાર્થના અજબની શાતા આપે છે.

આ કવિઓના કવિ ટાગોરને વંદન.

~ અમર ભટ્ટ

4 Responses

  1. કવિવર રવિન્દ્રનાથ ટાગોર ની ખુબ પ્રચલિત રચના ખુબ સરસ આસ્વાદ અભિનંદન લતાબેન વેકેશન મા પણ કાવ્ય સેવા અવિરત વહે છે

  2. રાષ્ટ્ર ના બંને મહાનુભાવો ને નમન, સ્મૃતિ વંદન.

  3. Kirtichandra Shah says:

    વંદન વંદન

  4. શ્વેતા તલાટી says:

    ખૂબ સરસ રચના.
    વાંચવા અને સાંભળવાનો લ્હાવો આપવા બદલ આભાર, લતાબેન.🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: