મીણનાં
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં!…
માણસના આવડા આ મેળા ને તોય અહીં
માણસ તો એકલાં ને એકલાં,
તળથી તે ટોચ લગી ડુંગર છે આયખાં
ને વેગ, હાય, કીડીના જેટલા;
કાગળની હોડીથી કરવાનાં પાર ધોમ
સૂસવતાં રણ હવે કેટલાં ?
મુઠ્ઠી હાડકાંનાં પિંજરને દઈ દીધા
ખાલીપા જોજનવા ખીણના!
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં!
પાંદડુંક લીલપના પડછાયે પડછાયે
એવું લાગ્યું કે વંન ખોયાં,
ઝાંઝવાનાં વીંઝાતા દરિયે ડૂબીને પછી
આંખોનાં ઝળઝળિયાં રોયાં,
જીવતર બીવતર તો બધું ઠીક મારા ભાઈ!
અમે મરવાની વાત પર મ્હોયાં.
ચરણોને ચાલવાનું દીધું સરિયામ
અને રસ્તાઓ દઈ દીધા ફીણના!
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં!
~ ચંદ્રકાન્ત દત્તાણી
કવિ ચંદ્રકાંત દત્તાણીની પૂણ્યતિથીએ સ્મૃતિવંદના

શ્રી ચંદ્રકાંત દત્તાણી આપણા એક સ-રસ ગીત કવિ છે.તેમની રચનાઓ અનેક રીતે વિશિષ્ટ અને અભ્યાસપાત્ર છે.તેમને પણ યોગ્ય ન્યાય નથી મળ્યો તેવું મારું અંગત માનવું છે. કવિશ્રીની
પૂણ્યતિથી વંદન! “કાવ્ય વિશ્વ” એ ચંદ્રકાંત દત્તાણીને યાદ કર્યા તે આનંદની વાત છે..
પ્રફુલ્લ પંડ્યા
કવિની બંને રચનાઓ ખૂબ જ સુદર લયવાળી છે. વંદન.
બંને રચનાઓ સરસ
કવિ ચંદ્રકાંત દતાણીની પુણ્ય તિથિએ સ્મૃતિ વંદન – કવિની સરસ કૃતિ આસ્વાદજન્ય –
સરસ ગીતો… કવિ શ્રી રમેશ પારેખ ના સમકાલીન કવિને આપે રૂડા યાદ કર્યા….