બાલાશંકર કંથારિયા ~ ગુજારે જે શિરે * Balashankar Kanthariya
ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે!
દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ વાસે તો,
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે!
કચેરી માંહીં કાજીનો, નથી હિસાબ કોડીનો.
જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે!
જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે.
નસારા કે નઠારાની જરાયે સંગતે રહેજે!
રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે.
દિલે જે દુ:ખ કે આનંદ કોઇને નહીં કહેજે!
વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં, તેને ત્યજી દેજે
ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે!
રહે ઉન્મત્ત આનંદે, ખરું એ સુખ માની લે.
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે!
કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે
પરાઇ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે!
અરે ! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો
ન માગ્યે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે!
અહો શું પ્રેમમાં રાચે ? નહીં ત્યાં સત્ય પામે તું ?
અરે તું બેવફાઈથી ચડે નિંદા તણા નેજે.
લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે,
અરે એ કીમિયાની જો મઝા છે તે પછી કહેજે.
વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી,
વફાદારી બતા’વા ત્યાં નહીં કોઈ પળે જાજે.
રહી નિર્મોહી શાંતિથી, રહે એ સુખ મોટું છે
જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે !
પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું.
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે !
કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઇ?
નિજાનંદે હંમેશાં બાલ મસ્તીમાં મઝા લેજે !
~ બાલાશંકર કંથારિયા (17.5.1858 – 1.4.1898)
જેમની કલમેથી ગુજરાતી ગઝલ પ્રથમવાર પ્રગટી એ બાલાશંકર કંથારિયા. કોણ આ શબ્દોથી અજાણ હશે ? ‘ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે !’ કહેવતનો દરજ્જો મળ્યો છે આ પંક્તિને…
સ્મૃતિવંદન
OP 1.4.22
***
છબીલભાઈ ત્રિવેદી
02-04-2022
આજના કાવ્યવિશ્ર્વ ના બન્ને કાવ્યો ખુબજ ઉમદા બાલાશંકર કંથારીયા ની તો ખુબજ ઉમદા રચના નિર્મિશ ઠાકર ની રચના પણ ખુબજ ઉત્તમ ખુબ ખુબ અભિનંદન
પ્રતિભાવો