અલ્પેશ કળસરિયા ~ એટલી પ્રગતિ

ગઝલ  

એટલી પ્રગતિ તો ના કાયા કરે,
એની ઈર્ષ્યા એના પડછાયા કરે !

થડ નીચે બેસે તો નોખી વાત છે,
વૃક્ષ દોડીને નહીં છાયા કરે….

ટાંકણાંને શિલ્પ ખુદ ઘડતું હતું,
એ નથી સર્જક જે દેખાયાં કરે !

તેજની અભાનું ત્રાટક શું કહું,
દૃશ્ય પણ આંખોથી અંજાયાં કરે !

પારદર્શક જો ખરેખર જાત થાય,
ખુદ અરીસો આવી બિંબાયા કરે !

સ્વર્ગ સળગી જાય છે આ શાપથી,
કોણ કેવું છે એ સમજાયાં કરે…

એક સપનું રોજ હું કાપ્યા કરું…
એક સપનું રોજ કોળાયા કરે !

હૂંફ મીઠી કોઈ દી આવી નહીં,
વાયરા તો ઠીક છે વાયા કરે…

મારા ટુકડાઓ જ મારા પગ તળે,
રોજ વેરાઈને કચરાયા કરે…..

હોય જો સાચી હૃદયમાં આસ્થા,
તો ‘મરા’માં ‘રામ’ સંભળાયાં કરે !

એ કવિ ‘અલ્પેશ’ હોવો જોઈએ,
એકલો ને એકલો ગાયા કરે !

~ ડૉ. અલ્પેશ કળસરિયા

4 thoughts on “અલ્પેશ કળસરિયા ~ એટલી પ્રગતિ”

  1. માધવી

    ખુદ અરીસો બિંબાયા કરે…વાહ..વાહ..

  2. ડો. અલ્પેશ કળસરિયા

    જી આપનો ખૂબ જ આભારી છું, વંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *