પારુલ ખખ્ખર ~ દરિયો * Parul Khakhkhar

શરમ છોડી ઉઘાડેછોગ ભેટી જાય છે દરિયો,
જરા શી આંખ મિંચકારી પછી મલકાય છે દરિયો.

અઘોરી જેમ ખિસ્સામાં રહેલી રેત ધૂણે ને,
બની સાંકળ ત્વચા પર તે પછી વિંઝાય છે દરિયો.

કિનારા પર પ્રથમ તો એક પગલું આળખે પોતે,
પછી મોજાં ભરેલી આંખમાં વંચાય છે દરિયો.

ફકત ઘુઘવાટ પર મુસ્તાક રહેવાની કળા જાણે,
નથી સંગીત આવડતું છતાં યે ગાય છે દરિયો.

સ્વયંની બીન પર નાચે નદી એવા જમાનામાં,
પછાડે ફેણ, ઓકે ઝેર ને વળ ખાય છે દરિયો.

ખરીદો છીપ, મોતીમાં ખરીદો શંખ,કોડીમાં,
અહીં બેચાર પૈસામાં જુઓ વેચાય છે દરિયો.

ઘણાં વર્ષો પછી એ પગ ઝબોળ્યાંનું સ્મરણ આવ્યું,
રગોમાં પગ પ્રસારી ત્યારથી ફેલાય છે દરિયો.

~ પારુલ ખખ્ખર

વિશ્વમહાસાગરદિને કવિ પારૂલ ખખ્ખરની આ ગઝલ.

દરિયાના મોજાઓમાં મન પ્રસારીને પલળવાનું જેને ગમતું હોય એની રગોમાંથી દરિયો કદી જાય નહીં, ન તો કાનમાંથી એનો ઘુઘવાટ જાય !

કવિ ભલે કહે કે ‘નથી સંગીત આવડતું છતાં યે ગાય છે દરિયો.’ વાસ્તવમાં તો દરિયાના મોજાં પાસેથી સંગીતના કેવાં અખંડ અને નિરંતર સૂરો સાંપડે છે !

અતળ ઊંડાણ ધરાવતા અફાટ સમુદ્ર અને અથાગ મહાસાગરો પાસે આખી માનવજાત કોડી ક્ષુદ્ર જેવી લાગે ….

8.6.21

Jayshree Patel

09-06-2021

સુંદર દરિયા પર ગઝલ

મનોહર ત્રિવેદી

08-06-2021

દરિયો ગઝલમાં ર પા અને આદિલ બેઉ જોડાજોડ હોય એ આ કવયિત્રીની ઘણી ખૂબીઓમાંની એક ગણીશું?

Varij Luhar

08-06-2021

વાહ ..દરિયાને લાડ લડાવતી રચનાનો સરસ આસ્વાદ

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

08-06-2021

કવિયત્રી પારુવ જીની ગઝલ ના દરિયો રદીફ સાથેની ગઝલ મેં પણ લખી છે, ( મઝધાર સંગ્રહ) પૂર્વે પણ.કોઈ કવિએ લખી છે. મજા તો એ.છે. કે કેવી રીતે ભાવ અભિવ્યક્તિ જૂદી પડે છે. સરસ ગઝવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: