જિતુ ત્રિવેદી ~ બોજ વધતો જાય & ચિત્રને માઠું ન લાગે * Jitu Trivedi

સમજી જવું

બોજ વધતો જાય તો સમજી જવું
કે હવે છે ડાળનું બટકી જવું

એ કહે છે કે હવે અટકી જવું
હું કહું છું કે હજી ધબકી જવું

કેટલે ઊંડે સુધી ધરબી શકો
યાદનો ગુણધર્મ છે ફણગી જવું

હર ટકોરો હોય નહિ ભણકારનો
હર પળે વિશ્વાસને વળગી જવું

~ જિતુ ત્રિવેદી

બોજ વધતો જાય તો સમજી જવું, કે હવે છે ડાળનું બટકી જવું– જીવનના સત્યને પામી લેવાય ત્યારે એ શબ્દોમાં આમ વ્યક્ત થાય.

ઊંડા વિશ્વાસની પ્રતીતિ કરાવતા બીજા બધા જ શેર…   

ભીંતે

ચિત્રને માઠું ન લાગે ટાંગ ભીંતે
કાઢ મા એકાદ ખીલી રાખ ભીંતે

રંગ પાથરીએ ભલે લીલો-ગુલાબી
એમ‌ ક્યાંથી ખીલવાનો ફાગ ભીંતે

કોઈ શહીદની આખરી તસવીર જોતાં
જીવતો દેખાય છે લદ્દાખ ભીંતે

હોઈ પગ તું ઘર મૂકી ભાગી ગયો
ને ઊભાંઊભ લઈ લીધો વૈરાગ‌ ભીંતે

કેટલાં વરસે હટાવ્યાં કૈંક જાળાં
કોણ આવ્યું કહેતાં ખોલી આંખ ભીંતે

છૂ થયેલા કેદીઓના ફોટા માથે
પોલિસે ફટકાર્યે રાખી ડાંગ ભીંતે

રામની મૂર્તિ ખુદાના અક્ષરો બે
બેય જાણે ચૈત્ર ને વૈશાખ ભીંતે

~ જિતુ ત્રિવેદી, ભાવનગર

દરેક શેરમાં વૈવિધ્ય અને નવ્યતા પ્રગટ થાય છે. – KV

@@

૨૦૧૮માં ગઝલનું રૂપ ધરવા આવેલી પંક્તિઓ આજે અચાનક ફરી મળી. હજી એમની પૂરી તહેનાત કરવા મથીશ. અત્યારે તો તમારામાંથી કોને શું ગમે છે એ જોવા પ્રસ્તુત કરવાની ઇચ્છા થઈ. યોગ્ય રીતે વિરામચિહ્નો વાપરવાં મને ગમે છતાં આદરણીય ગઝલકાર શ્રી હરકિસન જોષી માફક વિરામચિહ્નો વાપર્યા વગર પણ લખવાની આદત મારામાં જણાશે. – જિતુ ત્રિવેદી, ભાવનગર

9 Responses

  1. ઉમેશ જોષી says:

    સમજી જવું અને ભીંતે ગઝલ..ના સકળ શે’ર મર્મજ્ઞ, હ્રદયસ્પર્શી છે..
    આદરણીય હરકિસન જોષીને યાદ કર્યા એ ગમ્યું.
    કવિને અભિનંદન…

  2. બન્ને રચનાઓ ખુબ સરસ ખુબ ગમી

  3. ખૂબ સરસ ગઝલો, ગમી.

  4. Varij Luhar says:

    વાહ જિતુભાઈ.. બન્ને ગઝલો ખૂબ સરસ

  5. kishor Barot says:

    બંને ગઝલ ગમી.
    જીતુભાઈને અભિનંદન. 🌹

  6. Minal Oza says:

    બંને રચનાઓ માર્મિક છે.
    બીજી રચનામાં રામની મૂર્તિ ને ખુદાના અક્ષરોની વા ત જુદો જ સંદર્ભ ખોલી આપે છે. અભિનંદન.

  7. હરીશ દાસાણી.મુંબઈ says:

    ભીતર ભરેલ ભંડારનો પરિચય આપતી આ પ્રતિનિધિ રચનાઓ ખૂબ ગમી. અભિનંદન. શુભેચ્છાઓ.

  8. મનોહર ત્રિવેદી says:

    જિતુની ગઝલો ને તમારું ટૂંકું ને ટચ અવલોકન :બંનેને ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: