મનોજ ખંડેરિયા ~ આસ્વાદ : સંજુ વાળા * Manoj Khanderia * Sanju Vala

સત્યને કોણ ધારે જોયા કર,
કાં સુદર્શન છે, કાં અડાયું  છે.

~ મનોજ ખંડેરિયા

તને સતદર્શન લાધ્યું ? ના જ પાડે જેને જરા-તરા પણ જાણ છે એ. જેને આડુંઅવળું દેખાડી અંગત લાભ મેળવવા હોય એના માટે આ માર્ગ જ નકામો. એણે સતનો ચાળો જ ન કરાય. જે જાત સુધ્ધાની આહૂતિ આપતાં પણ સ્હેજેય પાછી પાની ન કરે એ અહીં ચાલે. આવી આહૂતિઓ દીધી છે આ ભૂમિની અનેક ચેતનાએ. એની સાહેદી આપે છે આભે આંબતી ને ધરતીને ઉજાળવા ફરફરતી આ સતની ધજાઓ. જરાક જ પાછું વળીને જુઓ તો અનેક ઉદાહરણ મળે. જેણે પોતાનું તો કયારેય ગળે બાંધ્યું નથી એ તો ઠીક, પરંતુ પોતાને ય હવી થઈ જતાં રોક્યાં નથી. અનંતકાળથી એનાં તેજ તપે છે. આ એક એવા યજ્ઞની આંચ છે જે અખિલ બ્રહ્માંડમાં રમી રહી છે. એના દિવ્ય તેજે બ્રહ્માંડ ઝળહળી જ નહીં, ટકી રહ્યું છે એમ એને ઓળખનારા કહે છે. એ પોતે જ શબદ છે, વચન છે, કયાંક તો એવું ય કહેવાયું કે પરબ્રહ્મ છે. આમ સૌ કોઇને હાથવગું પણ એનો પાર કોઇ ન પામે. સર્વત્ર એ સૂક્ષ્મ અને વિરાટ બન્ને સ્વરૂપે મ્હાલે, એની પ્રતીતિ થઇ શકે પરંતુ એની પ્રાપ્તિ દુશ્કર. એ એના સ્વયંમાં જ પર્યાપ્ત. કોઇ વિશેષણ એને નવાજી શકે નહીં. કોઇ અર્થ એને સમાવી શકે નહીં. એનો કોઇ પર્યાય કે વિકલ્પ નહીં. એક ગ્રંથ ભરીને લખીએ તો પણ ઓછું પડે એટલે બસ એના હોવાને જ્યાં અને જેમ જોવાય. એના માત્ર સાક્ષી થવાય, એને પામવાની કયારેય કોશિશ ન કરાય. આપણા શાસ્ત્રની સાખ લઇએ તો કઇ લો અને કઇ છાંડો, એ દ્વિધા. વેદ-ઉપનિષદ અને દર્શનશાસ્ત્રોમાં અત્રતત્ર એના બેસણાં છે અને શ્રીમદ્ ભગવદ્ગીતા જેવાંમાં તો અનેક સ્થાનકો. 

કેવું ? કોઈ નામ દીધા વગર પણ સૌને ખબર પડી ગઇ કે આ શેની કે કોની વાત છે ! બસ એજ તો એની મઝા છે. શું ? કેવી ? અને શું કામ ? કોઇ કવિતા લખે એના પર ? સત્ય પોતે જ સ્વયંસિદ્ધ છે. એના તપ એવા તપે છે કે જેવા – તેવાથી તો એની આંચ પણ ન ઝિલાય. પણ આપણાં સંતો-ભક્તોને એના માટે પ્રેમ અનહદ. એટલે જ તો એની વાણીમાં એ પરા થઇને રમે. આપણા કવિઓની કવિતામાં સતસૌંદર્ય થઇને. ક્યારેક એના રક્ષણ માટે આ સંતોએ પીડાઓ વેઠી, જીવલેણ કસોટીઓ પાર કરી ને જીવ પણ દીધાં. પણ એનો તંત ન મૂકે એ સંત. સતતત્વ અને સંતત્વ એટલે જ તો સાથે બોલાય. એ અખંડ જલતી મહાજ્યોતનું અજવાળું છે. એની કિર્તી તો જૂઓ. સત્યની પ્રાપ્તિ એટલે જ તો પરમતત્વને પામી લેવું. અને આ પ્રાપ્તિ માટે જ તો કહેવાય કે, એને સત્ય લાધી ગયું. આ જ તો એની તત્સતતા. અને સત્યનો સાક્ષાત્કાર થયો એમ પણ. એટલે જ તો એ સનાતન તરીકે સ્થાપિતછે. ભારતીય પરંપરામાં તો એ સૌથી છેલ્લી ઊંચાઈ પર છે. એના પછીનું કોઇ સ્ટેશન જ નથી. તેથી જ સૌથી છેલ્લો જય જયકાર પણ એનો જ : સનાતન ધર્મનો જય. 

અને એટલે જ તો : સત્ય મેવ જયતે.

બસ એની જ મહામૂલી ને મહામંત્ર જેવી, કયાંય, કોઇ અર્થ-ભાવથી ઉભરે નહીં એવી, દિપ્તીની વાત પણ વરંવાર આપણે ત્યાં થતી આવી છે. એજ સ્વયં શિવ અને સ્વયં પરમ સૌંદર્યસ્વરૂપ છે. આ બધુ સાચું પરંતુ એ સ્વયં જેટલો સિદ્ધ છે. એટલો જ સિદ્ધ એના ધારકને પણ આપણે ગણ્યો છે. આની ખાતરી આપણને આપણો રૂખડિયો કબીર આપે : 

‘ધરતી  પર  બાવે  ચૂલા  રે  બનાયા
આસમાન  તવા  રે  ઠેરાયા.’

અને આપણો આગમભાખી પંડિત દેવાયત પણ કહે :

‘જમીં આસમાં બાવે મૂળ વિણ માંડ્યાં હો જી..
એ જી.. થંભ વિણ આભ ઠેરાયો.. 
ગુરૂ તારો પાર ન પાયો.. ‘

અને આજ વાત આપણો કવિ વચનમાંથી લાવીને આજની કાવ્યભાષાથી સતસંદર્ભે કરે. પણ અહીં મઝા એ છે કે કવિ કહે : ‘જોયા કર.’ આ એક વખત જોઇ લેવાથી સમજાય જાય એવી વાત નથી. જો એમ કરીશ તો એ મર્યાદિત હશે અને તું પૂર્ણ સમજી લઇશ. સ્વાભાવિક જ જેટલી સત્ય પર હોય એટલી અને એવી શ્રદ્ધા જોનાર પર કથકને ના હોય. એને શંકા છે કંઇક ભળતું ભાળી જવાની. અરે એ તો એમ પણ કહે છે કે, દરેક ધારકને તું સતધારક ન સમજ. સત્ય જો પરમ પ્રકાશ છે તો એની ફરતે થોડા માયાવી પ્રકાશ પણ હશે. અને એ વધું ઝબકતા/તબકતા હોય. આ એણે કરવું પડે. સત્ય તો સ્વયં હોય એણે કાંઇ કરવાની જરૂર નહીં. વળી એ જેવાતેવાથી તો ધારણ પણ ન થાય. એટલે પહેલા સુદર્શનને ઓળખવાનું છે. પણ ધ્યાન રાખજે એનું નામ જ સુદર્શન છે. દર્શનરૂપી સુરતાને લાગેલું આ ‘સુ’ વિશેષણ જ તો એની મોટી સિદ્ધિ છે. આ પણ કવિ જાણે છે. નહીંતર તો આમ સતસ્થાનેથી અપાતો હોય એવો આદેશ ન આપે. કવિના શબ્દથી મોટી જગતની કોઇ વ્યાસપીઠ નથી. અને શબદની લગોલગનું કોઇ દર્શન હોય તો એ સતદર્શન છે. આવા સતનો ધારણકર્તા સ્વયં સત છે અને આ સત ધારણકર્તાનો ધર્મ છે. આ પરસ્પરની શાખ અને સાહેદી છે. એટલે તો કવિએ સુદર્શનની પડખે અડાયું (અણઘડ અને યથાવત સ્થિતિમાં યથાવત જગાએ જ સૂકાયેલું છાણું) મૂકી સતની કક્ષાને શિખર પર સ્થાપી. સત્ય પોતે વેદવિચાર છે. આપણી ભાષામાં કાવ્ય તરીકેની એની આવી સ્થાપના, સૌંદર્યવિચાર સાથે થાય છે એટલે એ શિવમ હશે તેમાં કોઇ શંકા નથી. આવા જ વિચારને રજૂ કરતો મુ. અમૃત ઘાયલ સા. નો પણ એક શેર યાદ આવે છે.

‘છે કૃષ્ણના સુદર્શન જેવો જ ઘાટ મારો, 
ધારો તો ધર્મ છું, ફેંકો તો ધ્વંશ છું હું.’

આપણા ભજનમાં સ્થાપિત થયેલાં સત્યની પુનઃરુક્તિ દ્વારા પ્રતીતિને બેવડાવાતી કે એની સાક્ષી આપવાનો સંતમત પ્રવર્તે છે. એમ કયારેક કવિતામાં પણ કાવ્યમત સ્થાપના પામતો હશે એવી ભાળ આ બે શેર સાથે વાંચીએ ત્યારે મળતી હોય છે.  

~ સંજુ વાળા

4 Responses

  1. વાહ ખુબ માણવા લાયક આસ્વાદ સરસ કાવ્ય પંક્તિ

  2. ખૂબ સરસ, આસ્વાદ

  3. હરીશ દાસાણી.મુંબઈ says:

    શબ્દબ્રહ્મ પ્રતીતિ જેવો શેર તથા તેના રહસ્યમય પડદા ખોલતો સુંદર આસ્વાદલેખ

  4. Parbatkumar nayi says:

    વાહ
    મજા આવી ગઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: