અનિલ જોશી ~ સમી સાંજનો ઢોલ

સમી સાંજનો ઢોલ ~ અનિલ જોશી

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે

કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઇને ચાલે

પાદર બેસી ફફડી ઊઠતી ઘરચોળાની ભાત

ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત

પૈડું સીંચતા રસ્તો  આખો કોલાહલમાં ખૂંપે

શૈશવથી ચીતરેલી શેરી સૂનકારમાં ડૂબે

જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે

ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંખે….

~ અનિલ જોશી

કવિ અનિલ જોશીના અનેક યાદગાર અને લોકપ્રિય ગીતોમાનું આ એક ગીત, આંખ સામે કન્યાવિદાયનું એક જીવંત, જાનદાર દૃશ્ય ખડું કરી દે છે !

કેસરિયાળો સાફો પહેરી મહાલતા વરરાજા માત્ર કન્યાને નહીં ઘરના કલરવ કરતા ફળિયાને લઇને જાય છે. એક દીકરી બાપના ઘરને કેવું ગુંજતું રાખે એ વાત તો જેને દીકરી હોય અને જેણે દીકરી વળાવી, ઘરનો સુનકાર ભાળ્યો હોય એ જ સમજી શકે. અહીં કવિએ કન્યાવિદાયના દૃશ્યની જે કલ્પના કરી છે, કન્યા અને એના માતાપિતાના મનોભાવોનું જે આબેહૂબ ચિત્રણ કર્યું છે એ કાબિલેદાદ છે. એક પુરુષ થઇને સ્ત્રીના મનોજગતમાં પ્રવેશવું અને એને કાવ્યમાં ઉતારવું એ સિદ્ધિ છે.

OP 9.7.22

***

કાવ્ય : અનિલ જોશી સ્વર : હેમંત ચૌહાણ સંગીત : નયન રાઠોડ

***

આભાર

10-07-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી, દીપકભાઈ, ચંદ્રશેખરભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો પણ આભાર

દીપક વાલેરા

10-07-2022

અમર ગીત

સાજ મેવાડા

09-07-2022

આ ગીત વારંવાર માણવું ગમે છે, એના ભાવોચીત શબ્દો લીધે. વાહ.

ચંદ્રશેખર પંડ્યા

09-07-2022

ખૂબ સુંદર ગીત! વરરાજા જ્યારે જાનૈયાઓ સાથે કન્યાનાં ઘર ભણી જાય તેને જાન ઉઘલાવી કહેવામાં આવે તેવું સ્મરણ છે. કન્યાનાં ઘરેથી જાન વિદાય લે તેને જાન વળાવી કહેવાતું હોય છે. હું કદાચ ખોટો હોઈ શકું.

છબીલભાઈ ત્રિવેદી

09-07-2022

કન્યા વિદાય નુ અદભુત ગીત કવિ શ્રી ની ખુબજ જાણીતી રચના વરસો થી સાંભળિયે છીઅે તોપણ હજી અેટલી જ પ્રિય આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: