આશા પુરોહિત ~ સન્નાટો * Aasha Purohit

ઓલ્યા ઝાડવામાં ~ આશા પુરોહિત

ઓલ્યા ઝાડવામાં ઊગ્યો સન્નાટો
જે ‘દિથી ઝાડવાનો પંખીના કલરવની સાથેનો તૂટ્યો છે નાતો !
ઓલ્યા ઝાડવામાં ઊગ્યો સન્નાટો…

આખો દિ’ ઝાડ વાટ જોતું રહે છે, કોઈ પંખી તો ડાળીએ બેસે
લીલોછમ્મ છાંયડો એ દે છે બધાને એમ મીઠો ગુંજારવ પણ વહેંચે
મુજને બચાવો એમ બૂમો પાડીને હવે બેઠો છે ઝાડવાનો ઘાંટો
ઓલ્યા ઝાડવામાં ઊગ્યો સન્નાટો.

ઓછી થઈ છે હવે પંખીની જાત અને ઝાડવાને આવે છે રોવું
લીલો સન્નાટો એને ડસવાને આવે તોય ઝાડવાએ પરાણે રે’વું
અહીંથી નીકળીને જાવું પંખીની શોધમાં ને મારવો છે એને તો આંટો
ઓલ્યા ઝાડવામાં ઊગ્યો સન્નાટો.

~ આશા પુરોહિત

પાંચમી જૂને, પર્યાવરણ દિને વરસમાં એકવાર કુદરતનો મહિમા ગાવાનો દંભ કરી, બાકી બારે મહિના કરવતથી કેર વર્તાવનારા લોકની ઝાઝી વાત કરવા જેવી નથી. ઝાડ ચૂપ છે પણ એની આંખ સામે ફરતા કુહાડાને એ કેમેય માફ કરી શકતું નથી. નજર સામે દુખાતી ડાળીઓ, પીંખાતા પાંદડા અને ફફડતા ફૂલોને એ જોઈ શકતું નથી તો આંખ ભરીને રોઈ પણ શકતું નથી. ટહૂકાને એ તરસે છે. પંખી અને પાંદડાની દોસ્તીની શોકસભાઓ, એની વયના વર્તુળોની જેમ એના એના હૈયે કોતરાતી રહે છે. રાત પડે ને ચોમેર નીરવતા પથરાય ત્યારે ઝાડવાના અબોલ નિસાસા અંધારાને વધુ ઘેરું કરી મૂકે છે ને રાતને વધુ કાળી. વહેલી સવાર સુધી એ કણસ્યા રાખે છે. સવાર પડતાં જ માનવીના શોરમાં એનો આર્તનાદ ખોવાઈ જાય છે.

OP 8.7.22

***

આભાર

10-07-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી, ચંદ્રશેખરભાઈ, કિશોરભાઇ

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો પણ આભાર

સાજ મેવાડા

08-07-2022

સરસ પર્યાવરણ સંવેદન.

કિશોર બારોટ

08-07-2022

વૃક્ષના વલોપાતને વાચા આપી અને તે પણ વેધક રીતે.
અભિનંદન, આશા બેન. 🌹

ચંદ્રશેખર પંડ્યા

08-07-2022

વૃક્ષોનાં ગીતો મને અત્યંત પ્રિય … ૩૬ વર્ષનો વનવાસ માણ્યો છે! ખૂબ સુંદર રચના… આશાજીને અભિનંદન!

છબીલભાઈ ત્રિવેદી

08-07-2022

આજના યુગમાં દંભ રહીત જીવન ખુબ જવલ્લે જોવા મળે છે ઝાડ નો સોથ બોલાવી સિમેન્ટ ના જંગલ ખડકાતા જાય છે કવિયત્રી ની વેદના કોઈ સમજી શકે તેમ નથી આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: