અમર પાલનપુરી ~ રોનક છે * Amar Palanpuri

રોનક છે એટલે કે બધે ~ અમર પાલનપુરી

રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે,
નહિતર આ ચૌદે લોક તો સૂનાં મકાન છે.

દીવાનગીએ હદ કરી તારા ગયા પછી
પૂછું છું, હર મકાન પર, કોનું મકાન છે.

દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે,
આવી શકે તો આવ, આ ખાલી મકાન છે.

થાશે તકાદો એટલે ખાલી કરી જશું,
કીધો છે જેમાં વાસ, પરાયું મકાન છે.

બાળે તો બાળવા દો, કોઈ બોલશો નહીં,
નુકશાનમાં છે એ જ કે એનું મકાન છે.

કોને ખબર ઓ દિલ, કે એ ક્યારે ધસી પડે,
દુનિયાથી દૂર ચાલ કે જૂનું મકાન છે.

એને ફનાનું પૂર ડુબાડી નહીં શકે,
જીવન ‘અમર’નું એટલું ઊંચું મકાન છે. 

અમર પાલનપુરી

કવિ અમર પાલનપુરીની આ ગઝલ તરન્નુમમાં ન સાંભળી હોય એવા ગુજરાતી બહુ ઓછા હશે ! આ રચના ગમે તેટલી વાર વાંચો, સાંભળો કે કોઈપણ સમયે સાંભળો એટલી જ તાજી અને હૃદયસ્પર્શી લાગે. પ્રેમ વિશ્વનો શાશ્વત વિષય છે. ‘મકાન છે’ રદીફને કવિએ કેટલો વિશાળ બનાવી દીધો છે ! મકાન જેવા એક શુષ્ક શબ્દના ઊર્મિલ અર્થવિસ્તારથી કવિતા ગહન અને ભાવપ્રધાન બની છે. મત્લાના શેરમાં પૂરા બ્રહ્માંડને મકાનનું પ્રતિક અપાયું. પ્રેમ સાનભાન ભુલાવી દે છે. અહીંયા દીવાનાપન છે જ પરંતુ જુઓ, આ શેરમાં જીવનની વાસ્તવિકતાનો પણ સ્વીકાર છે. શાયર પ્રેમના આસમાનમાં વિહરે છે પણ એના પગ ધરતી સાથે જોડાયેલા છે. કવિ સચ્ચાઈ જાણે છે. પોતાનો દેહ એ આખરે પરાઈ જણસ છે. સમય આવશે એટલે એને છોડીને જવાનું છે. એ સત્ય સ્વીકારતા કવિ કહે છે, ‘થાશે તકાદો એટલે ખાલી કરી જશું’ પ્રેમની તીવ્રતા એમાં જ વધે છે.

પ્રેમની અતિ વિહવળતા, જીવનની નાશવંત સ્થિતિ અને સામેથી મળતા આઘાતો-અભાવો બધું જ આ ગઝલમાં અદભૂત રીતે આરોપાયું છે.

અને આપણને કવિ કલાપી યાદ આવે…

જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપની…..     

OP 8.7.22

***

આભાર

10-07-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી, દીપકભાઈ, જયશ્રીબેન

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો પણ આભાર

જયશ્રી સોની

10-07-2022

અહીં મત્લામાં અને ત્રીજા શેરમાં કાફિયા જળવાતો નથી???

Diapk Valera

10-07-2022

Wah

સાજ મેવાડા

08-07-2022

ગઝલ અને લતાજી આતનો આસ્વાદ સરસ.

છબીલભાઈ ત્રિવેદી

08-07-2022

ખૂબ સરસ મજાની રચના કવિ શ્રી ની ઉમદા રચના ખુબ ગમી આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: