
વરદાનમાં
એટલું માંગી લીધું વરદાનમાં,
કંઈ જ બાકી ના રહ્યું ભગવાનમાં !
આમ તો ફરતો નથી ગુમાનમાં,
આ તો તું આવી ને, એના માનમાં !
એમ પીડાઓ મજા કરતી રહી,
જાણે આવી હોય મારી જાનમાં !
સાવ તાજા જન્મેલા એક બાળકે-
આખી હોસ્પિટલને લીધી બાનમાં !
જીવ વિના પંડ એવું લાગતું,
શેઠ જાણે છે જ નહિ દુકાનમાં !
ધ્યાન મારું ખૂબ રાખે છે બધાં,
જ્યારથી આવી ગયો છું ધ્યાનમાં !
આમ પહેલા પાને ના શોધ્યા કરો,
હું મળીશ તમને અનુસંધાનમાં !
ફૂલ તો સાચાં જ ગોઠવ્યાં છતાં,
કાં બહારો આવી નહિ ફૂલદાનમાં ?
યાદ એની રંગ પકડે છે ‘નિનાદ’,
જેમ કાથો રંગ પકડે પાનમાં.
~ નિનાદ અધ્યારુ
દરેક શેર શેરીયતથી ભર્યો ભર્યો ! સર્જકતાથી સભર ! મુસલ્લ્સલ ગઝલ વિશે લખવાનું સહેલું પડે કેમ કે એક ભાવ સળંગ વહેતો હોય. જ્યાં દરેક શેર જુદું જ વિશ્વ લઈને આવતો હોય ત્યાં લખવું હોય તો દરેક શેરનું ભાવવિશ્વ આલેખવું પડે. પણ ‘કાવ્યવિશ્વ’નો ભાવક એકદમ સજ્જ છે. ખુશ થઈને ‘વાહ’ કહી જ ઉઠશે.

વાહ
ખૂબ જ સરસ અનેરા ભાવવિશ્વમાં લઇ જાય એવી ગઝલો છે.
બન્ને ગઝલ સંવેદનશીલ છે.
બને ગઝલ સુંદર છે મનોરમ્ય છે અમારા ધન્યવાદ
બન્ને રચનાઓ સરસ
હૃદયપૂર્વક આભાર કાવ્યવિશ્વ અને લતાબેન હિરાણી અને સુજ્ઞ ભાવકો.
આનંદ આનંદ નિનાદભાઈ
વાહહહહ