ચંદ્રશેખર પંડ્યા ~ વટ્ટનો કટ્ટકો

વટ્ટનો કટ્ટકો ~ ચંદ્રશેખર પંડ્યા

કામણ પાથરવામાં અવ્વલ ગણાય, એની અણિયાળી મૂછ તણો લટ્ટકો

નજરુંની સાથ મળે નજરું તો મારતો ઈ, વીજળીના તાર સમો ઝટ્ટકો

મારો અ૨જણીયો વટ્ટનો કટ્ટકો…

હોળીને દા’ડે હું તો બા’નું બનાવી, તને ભેટવાને ચાલી’તી રંગમાં

આવી ધુળેટી તો સાનભાન ભૂલીને, નવરાવી દીધી તેં રંગમાં

ઢીલી પડી છ મારા કમ્મખાની કસ, હવે ભાવિ ભરથાર જરા અટકો

મારો અ૨જણીયો વટ્ટનો કટકો…

લીલા ને લહે૨ મળે મૂએ સાસરિયે, હું તો વિસરી જઉં લાડકડું માયકું

દિવસ ને રાત તું જો વ૨સાવે હેત, પછી વારીવારી જાઉં મારું આયખું

કાંબી ને કડલાંને ચૂલા મહીં નાખ, મને સ્હેજે નથી એનો ચટ્ટકો

મારો અરજણીયો વટ્ટનો કટકો…

જન્મોના સાથ તણો ક૨શે કરાર, આજ આવી જા અલબેલા ઠાઠમાં

બંધનનું થઈ જાતું મીઠું બંધાણ, રહે બાંધ્યું એ સ્નેહ તણી ગાંઠમાં

છઠ્ઠીના લેખની સાખે થઈ જોડી, પછી વાલમજી કેમ કરી છટ્ટકો !

મારો અરજણીયો વટ્ટનો કટ્ટકો…

~ ચંદ્રશેખર પંડ્યા

‘કોઈ સગાં થાવ છો ?’ હા, આ કાવ્યસંગ્રહનું નામ છે. આવું નામ કેમ સૂઝયું એ તો કવિ જ કહી શકે ! સંગ્રહમાં ગઝલ તો ખરી જ પણ ગીતોનું પ્રમાણ વિશેષ છે. અછાંદસ પણ ખરાં. હાસ્યગીત ‘રૂપાળી વહુ’ પણ દેખાયું !

ઉપરના ગીતમાં લય તો મજાનો છે જ. ક્ટ્ટકો, લટ્ટકો, અટ્ટકો શબ્દોએ કવિ વિનોદ જોશીની યાદ અપાવી દીધી. વાત પોતાના પ્રિયતમને સંબોધીને છે ને એમાંય જે ટેસ્સ્ડો છે એની મજા મજા…

‘કાવ્યવિશ્વ’ને આંગણે કવિનું આ નવા સંગ્રહ સાથે સ્વાગત છે. અનેકાનેક શુભેચ્છાઓ કવિ !

OP 7..7.22

***

સાજ મેવાડા

08-07-2022

ખૂબ સરસ પ્રયણાનુભૂતી નું ગીત.

ચંદ્રશેખર પંડ્યા

07-07-2022

ધન્યવાદ લતાબેન! ગીતસંગ્રહના શીર્ષક માટે ખૂબ મથામણ કરી અને છેવટે મારી જ એક રચનમાંથી જડી ગયું .. (સંગ્રહનું પ્રથમ ગીત ‘કોઈ સગાં થાવ છો?’
આદરણીય હરિકૃષ્ણભાઈ પાઠકે પ્રસ્તાવનામાં ઉલ્લેખ કર્યો છે.

Varij Luhar

07-07-2022

કવિના નાતે એક બીજા કવિના સગા થાય એવા કવિશ્રી
ચંદ્રશેખર પંડ્યાના કાવ્યસંગ્રહને આવકાર અભિનંદન શુભકામનાઓ

કિશોર બારોટ

07-07-2022

વાહ, વટનો કટકો.
ગીત બહુજ ગમ્યું.
અભિનંદન, ચંદ્રશેખરજી. 🌹

Kirtichandra Shah

07-07-2022

Simly lovely Savar Sudhri gai Thank You Lata Ben

રેખાબેન ભટ્ટ

07-07-2022

એકદમ મજાનું ગીત. વાહ 🙏

છબીલભાઈ ત્રિવેદી

07-07-2022

સરસ ગીત ખુબ ગમ્યું આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: