સંધ્યા ભટ્ટ – દિવાળી * Sandhya Bhatt

(શિખરિણી)

દિવાળી અંધારે પુલકિત કરે દીપદ્યુતિથી
બધું જૂનું ભેગું વરસભરનું છેવટ થતું
સફાઈ તેની રે કરજ ગણીને આ દિવસમાં-
થતી; ભેગાભેગું કંઇક નિજનું ચાલી ય જતું… 

અમે જૂના વર્ષે ગફલત કરી એ પરખતા
કર્યા કૈં ગુનાઓ,ગરબડ કરી ખોટું સમજી
ઉનાળાની રાતે પવનપયનું પાન ન કર્યું
શિયાળે સૂર્યોનું સુખ નવ ગ્રહ્યું,કુંઠિત થયાં….

અમે તો વર્ષાની નવલ સરવાણી ય ન ઝિલી
ૠતુઓ આપે છે સમજણ ઘણી તે ન સમજ્યાં
નદી ને પ્હાડો તો બધું કંઈ સ્વીકારે સહજ થૈ
અને તેથી તેઓ યુગયુગ થયા તો ય હળવાં…. 

વીત્યું જે કોરું તે નહિ નહિ તમે યાદ કરશો
હવે જે આવે તે સરળ મનથી સંગ ધરશું…

~ સંધ્યા ભટ્ટ

15.11.2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: