અનિલ ચાવડા : લ્યો આવી ગઈ * Anil Chavda

લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

ઉદાસીઓના ફટાકડાઓ ઝટપટ ફોડી દઈને,
ચહેરા ઉપર ફૂલઝડી સમ ઝરતું સ્મિત લઈને;
કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ…
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

સૌની ભીતર પડ્યો હોય છે એક ચમકતો હીરો,
ચલો શોધીએ ભીતર જઈને ખુદની તેજ-લકીરો;
ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ. 

– અનિલ ચાવડા

આ વર્ષની દિવાળી જુદી રીતે અનોખી છે. ઉલાસ માણવાની અને વહેંચવાની આજે જેટલી જરૂર છે એટલી કદાચ ક્યારેય નહીં હોય. કોરોનાના કહેરથી લોકો થાક્યા છે. ડરથી ઘરમાં પુરાઈ રહેલા લોકોની સંખ્યા વિશાળ છે અને ડરનો માહોલ હજી એટલો જ છે ત્યારે અવઢવ છે કે તહેવાર ઉજવવા તો કેમ કરીને ? એવા સમયમાં કવિ શ્રી અનિલ ચાવડાના આ શબ્દો સમજણનો દીવો પ્રગટાવે છે.

‘આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દિવાની જેમ’ કોઈ ગરીબની દિવાળીમાં જરાક રંગ પૂરીને સ્વયંનું અજવાળું અનુભવી શકાય છે. ભીતરના હીરાને શોધી શકાય છે. મીઠાઇ બહુ ખાધી, કોઈક ભૂખ્યાને આ દિવસોમાં જમાડી એના ચહેરા પર સ્મિતની ફૂલઝડી, અગાઉના તમામ દિવસોની ઉદાસી ખંખેરી નાખશે.  

10.11.2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: