ડો. કેશુભાઈ દેસાઈ – વળ્યાં શું પાછાં

સોનેટ : શિખરિણી

દિવાળી સૌને છે – નહિ ફકત મારા નસીબમાં ;  

થયું જે અંધારું અબ લગણ એ ઓસર્યું નહીં !

તમારાં ‘કોડીલાં’ પડી સડી રહ્યાં સ્ટોરરૂમમાં,

નથી ચેતાવ્યાં મેં, નહિ નહિ રચી રંગપૂરણી.

તમે ત્યારે દ્વારે હળુ હળુ સજાવ્યાં  ચીવટથી –  

લીલાં પર્ણોનાં એ નહિ અહીં દીસે તોરણ ક્યહીં !

બધાંનાં સંબંધી દૂર દૂર થકી ઘેર પૂગશે,

તમારા ખંડેરે મુજ વિણ નહીં કોઈ ઢૂકશે !

રહ્યાં કોરેકોરાં કૂખદુખ સહયાં સાવ હસતાં ;

હવે તો અંકાશે ટમટમી હશો ક્યાંક વસતાં !

કૂખે કંકુ રોળ્યાં નહિ કુદરતે તોય મનમાં

ન’તો કો’ ખાલીપો, અઢળક ઢળ્યાં સંગ ગરવાં…

સૂની સેજે આ શું, ધસમસી રહ્યાં તેજ નરવાં –

વળ્યાં શું પાછાં કે નિજ ઘર મહીં દીપ ધરવા ?

~ ડો. કેશુભાઈ દેસાઈ

જીવનસાથીની વિદાય બારેમાસ વસમી જ હોય છે પણ ઉત્સવોના દિવસો આવે ત્યારે હૈયામાં ભરેલા મૂંઝારાને  ખમવો અસહ્ય બને છે. આખુંય સોનેટ ‘અંકાશે વસેલા પ્રિય’ની યાદમાં લખાયેલું છે જેમાં ભારોભાર વેદનાના સૂરો વણાયેલા છે. દિવાળીની તૈયારી કરતી ગૃહિણી જાણે દરેક પંક્તિદ્વયમાં સદેહે આવીને વસી છે !‘અંધારું અબ લગણ એ ઓસર્યું નહીં’-નો વિરહ ‘અંકાશે ટમટમી હશો ક્યાંક વસતાં’ સુધી પહોંચે, ત્યાં તો અજાણ્યા ભાવક માટે પણ સ્થિતિ સ્પષ્ટ થઈ જાય છે. અંતિમ પંક્તિદ્વયમાં કાવ્યકલા એની ઊંચાઈએ પહોંચે છે. ‘ધસમસી રહ્યાં તેજ નરવાં’ આંખોમાં ચમકતાં આંસુનું તેજસ્વરૂપ અને ‘વળ્યાં શું પાછાં કે નિજ ઘર મહીં દીપ ધરવા?’ શબ્દોમાં નાયકની પીડા પરાકાષ્ટાએ પહોંચી છે.

5.11.2020

***

Neeta pankaj nanavaty

06-11-2020

હ્રદયસ્પરષિ.

Hasmukh K Raval

06-11-2020

અત્યંત પીડાદાયક પળોમાં કોઈ આશ્વાસન નથી હોતું, ત્યારે ભ્રમણા મદદે આવે છે. ભ્રમણા નું સાન્ત્વન અસત્ય છતાં અલ્પ સમય સુખ દેનારું હોય છે. કેશુભાઈ ની કલમને અભિનંદન.

Sudha Mehta

06-11-2020

Thoda shabdomaa atli undi vedana pragat kari te hridayani rujuta darshave chhe. Keshubhai ni aa kavita sparshi gai.

રવીન્દ્ર પારેખ

06-11-2020

સરસ સોનેટ, કેશુભાઈનું !

કેશુભાઈ દેસાઈ

06-11-2020

મેં જે ફીલ કર્યું એનું જ અદ્દલ પ્રતિબિંબ એના વિચક્ષણ આસ્વાદ સ્વરૂપે જોઈ ગદગદ થઈ જવાયું… આભાર હર્ષભાઈ, આભાર લતાદીદી… કાવ્ય વિશ્વમાં મારી અંતરંગ પીડાને અવકાશ મળે એનો આનંદ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: