મુકુલ ચોક્સી ~ આખા નગરની * Mukul Choksi

આખા નગરની જલતી દીવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે.

ઇચ્છા વિશે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં,
ઇચ્છાનું એવું છે કે ફળે યા ન પણ ફળે.

વંઠી ગયેલો ગાંધીજીનો વાંદરો હવે,
બહેરો બન્યાનો ડોળ કરી સઘળું સાંભળે.

એક જ રીતે ગુમાવેલ માણસ ફરી મળે,
ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે.

સાચું કહું તો તારી લપસણી લટો સિવાય,
વહેતા પવનને ક્યાંય ઉતારો નહીં મળે.

બીજાઓ વાંચે તો ય અદેખાઇ આવશે,
ચીતરું નહીં હું નામ તારું કોઇ પણ સ્થળે.

મુકુલ ચોકસી

પ્રેમનો મહિમા તો ગમે જ. કોઈને ભેટી પડતાં જોઈ જોનારાના હૈયે પણ ટાઢક વળે… અરે, આ શબ્દો વાંચતાં થઈ ગયેલી કલ્પના પણ હા…શ આપે… ગમ્યો, ખૂબ ગમ્યો આ શેર ‘એક જ રીતે ગુમાવેલ માણસ ફરી મળે, / ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે.’ લપસણી લટોમાં લપટાતું મન આ વાત યાદ રાખે તો એ શીળો છાંયડો કદી ન ખસે !

21.12.20

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: