સંસ્કૃતિરાણી દેસાઇ ~ સવાર મારો

સવાર મારો હાથ પકડી લઇ જાય છે

કાં તો સાંજ

બપોરનો હાથ છોડાવું છું તો

વસંત હાથ પકડી લે છે મારો

મિનિટને હાથતાળી આપું છું

તો સોમવાર શોધી લે છે મને.

બધા જ સારા આશયથી

મદદ કરવા માગે છે.

પણ મારે નથી જોઇતો કોઇ સંદર્ભ

કોઇ સ્ટોરી બોર્ડ નહીં

કોઇ પરિવેશ નહીં, પડદા નહીં

રેતીની કલાકની શીશી અને તારીખિયાને

દાટી દેવાં છે મારે…

મને એકલી ચાલવા દો ને !

તમારા બધા વગર.

હાથ પકડવાની જરૂર નથી હવે

મારો રસ્તો શોધવો ગમે છે મને……

~ સંસ્કૃતિરાણી દેસાઇ

‘મારો રસ્તો શોધવો ગમે છે મને !’ આ પંક્તિ કાવ્યને એક જુદી જ સુગંધ બક્ષી જાય છે.

સ્ત્રીસ્વાતંત્ર્યની વાત છે પણ અહીં નારીવાદના સૂત્રો નથી. સંયત શબ્દોમાં અને મૃદુતાથી, કહો કે સહજતાથી પોતાની વાત કવયિત્રીએ મૂકી દીધી છે કે ‘હવે કોઇને પોતાનો હાથ પકડવાની ના…’ એકલાં ચાલવામાં, પોતાનો રસ્તો શોધવામાં, અદીઠ વિકટ વનો વીંધવા પડે તોય ભલે… દુર્ગમ કેડીઓ આંખને નવો નજારો આપશે. આનંદ કોઇ ભૌતિક ચીજમાં નથી હોતો. આનંદ આંખોમાં, દૃષ્ટિમાં, હૃદયમાં હોય છે. ‘હાથ પકડો ના મારો’ કહેવાને બદલે ‘હાથ પકડવાની જરૂર નથી હવે’ કહીને કવયિત્રીએ પૂરા વિવેક સાથે બુલંદ આત્મવિશ્વાસની ઘોષણા કરી દીધી છે.

કાવ્યસંગ્રહો : 1. સૂર્યો જ સૂર્યો  2. શબ્દના આકાશમાં કૂદકો  3. શબ્દદાબડીઓ 

22.12.20

રૂપલબેન મહેતા,ભુજ

13-04-2021

થવા દો બધું આજ રંગીન સબરસ…સવારો છે ધસમસ..લતાબેન ની રચના ના શબ્દો રંગીન બનાવી ગયા..
મારો રસ્તો શોધવો ગમે છે મને…સંસ્કૃતિરાણી ના શબ્દો અને મુકુલ ચોકસી ની પંક્તિ.. બહેરો બન્યાનો ડોળ કરી સાંભળે સઘળું….. વાહ..!!!.શબ્દો થી મસ્ત અભિવ્યક્તિ !!

Purushottam Mevada, Saaj

13-04-2021

કવિયત્રી સંસકૃતિરાણી એ આપના યોગ્ય પ્રતિભાવ પ્રમાણે ખૂબજ સૌમ્ય રીતે ખદ્દારી દર્શાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: