શૂન્ય પાલનપુરી ~ કાંટાના ડંખ * Shoonya Palanpuri
કાંટાના ડંખ સાથે છે ફૂલોનું ઝેર પણ,
વાળે છે શું વસંત ગયા ભવનું વેર પણ.
તણખા છે સંસ્કૃતિના કળિયુગનો વાયરો,
જંગલની જેમ ભડકે બળે છે શહેર પણ.
દૃષ્ટિની સાથ સાથ પડળ પણ છે આંખમાં,
જ્યોતિની ગોદમાં છે તિમિરનો ઉછેર પણ.
આવ્યા, તમાશો જોયો અને લીન થઈ ગયા…
ભૂલી ગયા કે પાછા જવાનું છે ઘેર પણ.
શંકર બધું જ પી ન શક્યા ‘શૂન્ય’ એટલે
આવ્યું છે વારસામાં અમારે આ ઝેર પણ.
– શૂન્ય પાલનપુરી
સ્વચેતનાનું ભાન થાય, એના અણસારા આવે ત્યારે આવા શબ્દો આવે – ‘ભૂલી ગયા કે પાછા જવાનું છે ઘેર પણ !’ સંસારમાં લીન થઈ જવાની પ્રક્રિયા એટલી સામાન્ય છે કે ક્યાંક, કોઈ ખૂણે આવી જાગૃતિ આવે એ જ મોટી વાત. ભલે એ ટકી રહે કે ન ટકે, ચિંતન સ્ફૂરણાનું પોતાનું આગવું મહત્વ છે. આમેય દરેક બાબતની શરૂઆત ‘એક વિચાર’ જ હોય છે ને !! ‘શૂન્ય’ કવિનું ઉપનામ છે પણ એ નામ જેટલું જ જાણીતું અને નામની જેમ જ વપરાતું…..
19.12.20
પ્રતિભાવો