માધવ રામાનુજ ~  સુક્કા સરોવરનો ઘાટ

સુક્કા સરોવરનો ઘાટ

બેડાં મૂકીન તમે બેસજો ઘડીક
હું તો સુક્કા સરોવરનો ઘાટ
વીરડાં ગાળીન પછી ભરજો નિરાંતવાં
મારો ખાલીખમ ઉચાટ

તમને જોયાં ને પાંચ પગલાંની એકવાર
હૈયે જડેલ ભાત સાંભરે
એકવાર છલછલતા હિલ્લોળે પોંખ્યાંનાં
કંકુ ચોખાની વાત સાંભરે
મને પથ્થરનાં શમણાંનાં સમ્મ ફરી જાગે રે
તે દિ’નો ભીનો તલસાટ

ઝાંઝરના મૂંગા રણકાર સમું ગામ
આમ ટળવળતું ટળવળતું જાય
ઝાંઝવાંની પરબો રેલાય તોય વાયરાની
તરસી વણઝાર ના ધરાય
વાત વાદળ કે કાજળની કરતાં જાજો
,
વાત સૂરજ કે છૂંદણાંની કરતાં જાજો
,
નકર નૈં ખૂટે નોંધારી વાટ

~ માધવ રામાનુજ

2 thoughts on “માધવ રામાનુજ ~  સુક્કા સરોવરનો ઘાટ”

  1. શિરીષ કાપડિયા

    કાવ્ય વાંચ્યું. વિષયવસ્તુ સાથે એક થઈ જવાયું આને તેથી વારંવાર લાગણીસભર વંચાયું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *