માધવ રામાનુજ ~ એવું રે અજાણ્યું સગપણ & શ્વાસમાં થોડી વાર * કાવ્યસંગ્રહ

સગપણ સાંભર્યું

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું

સોણલાંની વાડી ઝાકમઝોળ,
કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે,
મઘમઘ સુવાસે તરબોળ…

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું!

ક્યાં રે કિનારો ને ક્યાં નાંગર્યા
નજરુંના પડછાયા આમ!
ઊગી ઊગીને અચરજ આથમે

પછી એમ પથરાતું નામ…
એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું!

ઝાકળ સરીખું ઝલમલ બારણું,
પગલે પાંપણનું ફૂલ,
એક રે હોંકારે ઉઘડે આગળા,

ઓળઘોળ આયખાનું મૂલ…
એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું! 

~ માધવ રામાનુજ

જન્મદિવસે કવિને સ્નેહવંદન

એક તમારા ધબકારાને

શ્વાસમાં થોડી વાર અમારે ભળવું હતું
એક તમારા ધબકારાને મળવું હતું

મૂંગી મૂંગી કેટલી રાતો
પાંપણમાં ટમટમતી રહી
આંખથી ઓલ્યા ભવની ઓળખ

ટીપે ટીપે ઝમતી રહી
આજની એક જ પળનું જીવન રળવું હતું

રણની તરસ ક્ષણમાં ભળી
ઝાંઝવાં જેવું વીંધતી રહી
એક બે ટૂંકી યાદની ટેકણલાકડી

કેડી ચીંધતી રહી
વાટ અમારી અટકે ત્યાંથી વળવું હતું
એક તમારા ધબકારાને મળવું હતું
શ્વાસમાં થોડી વાર અમારે ભળવું હતું’

~ માધવ રામાનુજ

જન્મદિવસે કવિને સ્નેહવંદન

4 thoughts on “માધવ રામાનુજ ~ એવું રે અજાણ્યું સગપણ & શ્વાસમાં થોડી વાર * કાવ્યસંગ્રહ”

  1. બંને રચના કવિની સાથે સાથે આપણને પણ ભાવવિશ્વની સફર કરાવે છે. કવિને જ.દિ. ના અભિનંદન.

  2. ભદ્રેશ વ્યાસ "વ્યાસ વાણી"

    વારંવાર ગણગણવા જેવા ગીત,
    કવિ શ્રી માધવ રામાનુજને વંદન.
    અને
    જન્મદિવસની શુભકામનાઓ.
    કવિની કલમ સતત વહેતી રહે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *