કાયમઅલી હજારી ~ દંભ ને દેખાવનો

દંભ ને દેખાવનો છે દૌર મારા દેશમાં,

જળ વગરના વાદળાં ઘનઘોર મારા દેશમાં .

રાજવીના મુખવટામાં ચોર મારા દેશમાં,

કાગડાઓ થઇ ગયા છે મોર મારા દેશમાં.

એમની દક્ષિણા કાજે કઈ હદે એ જાય છે !!

વ્યંઢળો પરણાવતાં છે ગોર મારા દેશમાં.

હું જ સારો,  હું જ શાણો,  હું જ સાચો,  હું ખરો,

ચોતરફ ‘હું’ ‘હું’ નો કેવળ શોર મારા દેશમાં.

એક સાથે  શાંતચિત્તે દેશ આખો, પ્રેમથી,

દેશની ખોદી રહ્યો છે ઘોર મારા દેશમાં.

મંદિરો ને મસ્જિદોનું લશ્કરો રક્ષણ કરે,

રામ અલ્લાહ કેટલા કમજોર મારા દેશમાં .

એક દિ તો ઉગશે ‘કાયમ’ હજુ  વિશ્વાસ છે

એક સુંદર ને સુન્હેરી ભોર મારા દેશમાં.

– કાયમઅલી હજારી

અંધારાની રજૂઆત કરતો નાનકડો દીવો. વાત એ જ છે સીધી-સાદી, જે રોજ આપણે છાપામાં વાંચીએ છીએ ને સાંજે પસ્તીમાં ફેંકી દઈએ છીએ. જે ધ્યાનમાં રાખવું જોઈએ, જેનું ધ્યાન રહેવું જ જોઈએ, જેની ચિંતા કરવી જોઈએ, જેના માટે કોઈક પગલાં લેવાવા જોઈએ એવું બધું રોજેરોજ દેશ આખો એટલે કે સાંજ પડે ક્યાંય ફેંકી દઈએ છીએ અને એય શાંતચિત્તે ! કટાક્ષ છે મંદિર અને મસ્જિદની વાતમાં પણ ! વાત એ જ છે જે સૌ જાણે છે પણ ક્યારેક સામાન્ય જનસમુહ પર આવા સીધાસાદા શબ્દોની વધારે અસર થતી હોય છે અને કવિતાનું એ તો કામ છે !

18.12.20

***

કિશોર બારોટ

13-04-2021

દેશની વાસ્તવિકતા પરિસ્થિતિનુ વેધક શબ્દાંકન.
સલામ, કાયમ સાહેબ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: