કૃષ્ણ દવે ~ મોર્ડન મમ્મી * Krushna Dave

(માત્ર દેખાદેખીને કારણે બાળકોની પાછળ પડી જતી મમ્મીઓ માટે જ)

મોર્ડન મમ્મીનો ભારે ત્રાસ છે
રહેવાનુ રાખ્યું છે અહિયાં ગુજરાતમાં ને લેવાતા ઇંગ્લિશમાં શ્વાસ છે
મોર્ડન મમ્મીનો ભારે ત્રાસ છે……

વેકઅપ, ક્વીક, ફાસ્ટ ચલો ઝટ્ટ કરો બ્રશ એન્ડ ઈટ ધીસ પોટેટો ચિપ્સ
ઑલરેડી ઑનલાઇન ક્લાસ ઈઝ સ્ટાર્ટ કેમ ભૂલી જાય રોજ મારી ટિપ્સ ?
દાદીમા બોલ્યા કે ધીમે જરાક્, ત્યાં તો મમ્મી ક્યે નોટિ,બદમાશ છે 
મોર્ડન મમ્મીનો ભારે ત્રાસ છે……  

સાયન્સ કે મેથ્સમાં કે ઇંગ્લિશ કે ગમ્મે ત્યાં માર્કસ એક ઓછો ના ચાલે
મોર્ડન મમ્મીઓ તો જીનીયસ બનાવવાના સપનામાં રાત દિવસ મ્હાલે
લેફ્ટ રાઇટ લેવાતા બાળકને’ય લાગે કે ચોવીસ કલ્લાક એના ક્લાસ છે
મોર્ડન મમ્મીનો ભારે ત્રાસ છે…..  

નાનકડું પંખી પણ પોતાની પાંખોથી રાખે છે ઉડવાની આશા
બાળકને’ય થાય કેમ બોલી શકાય નહીં દાદા ને દાદીની ભાષા ?
મા કરતાં માસીની બોલબાલા હોય એવા પીંજરામાં આખ્ખું આકાશ છે
મોર્ડન મમ્મીનો ભારે ત્રાસ છે…..

~ કૃષ્ણ દવે 

આજની પેઢીની, ઘરમાં ગુજરાતી ભાષામાં થતી અંગ્રેજીની ભેળસેળ ક્યારેક અસહ્ય બની જાય છે અને એની સામે લાચારી સિવાય કશું જ નથી રહ્યું આપણી પાસે ત્યારે આવી કવિતાઓ કાંઈક કોઈકને જરાક રસ્તો ચીંધે તો પાડ પ્રભુનો. કૃષ્ણભાઈની કવિતાઓ ખૂબ લોકપ્રિય છે. એમના ગીતો શાળાઓના બાળકોમાં ખૂબ પ્રિય છે અને આ પણ એટલું જ ગવાવાનું એમાં કોઈ સંશય નથી.

સાભાર :  1.  ‘વાંસલડી ડોટ કોમ    2. ‘આવશે’    3. વિસ્ફોટ’    4. ‘પ્રહાર’    5. ‘ફાસ્ટફૂડ’    કાવ્યસંગ્રહો  

21.2.21

***

anjana goswami

13-04-2021

ખૂબ સરસ

Purushottam Mevada Saaj

13-04-2021

આદરણીય કવિ કૃષ્ણ દવે તો.સામ્પ્રત સમયના જાણીતા અને માનીતા ગીત કવિ છે. વૈવિધ્ય અએમની રચનાઓમાં માણી શકાય છે.

1 Response

  1. રૂપલ અશ્વિન મહેતા. says:

    “મોર્ડન મમ્મીની વાતો …”કૃષ્ણ દવે સાહેબની સચોટ રચના વાંચીને થયું કે બધાએ સાથે મળીને માસી અને મમ્મીને સેટ કરવા પડશે, બધા સમજે છે પણ કોઈ આ બાબતનો અમલ કરવા, પહેલ માટે ઓછા તૈયાર થાય છે…હવે ફકત એના સોલ્યુશન આપે તેવી જ જોરદાર રચનાઓ ની અપેક્ષા દવે સાહેબ પાસે નમ્રતા થી રાખી શકાય..🙏🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: