લલિત ત્રિવેદી ~ કલમ ખાબોચિયે બોળી * Lalit Trivedi

કલમ ખાબોચિયે બોળી અને દરિયા લખે છે તું, તને ખમ્મા !
અરે ! ક્યા બાત કે ધખધખતા કાગળિયાં તરે છે તું, તને ખમ્મા !

ને સતનાં પારખાં જેવો ખૂણો ને ઝિલમિલાતી પાંચ આંગળીઓ
ગઝલ જીવી જવાનો તું કે ઝળઝળિયાં પીએ છે તું, તને ખમ્મા !

શું મળશે ક્રોંચ શી ઘટના ને તારામાં પ્રગટ થાશે મહર્ષિજી
રે કાગળના કિનારે તપતો વાટડિયા જુએ છે તું, તને ખમ્મા !

તું પરમાણા પ્રમાણે પગ ઘડે ને પામવા નીકળ્યો છે પરમાણુ
કે બસ પાણિયારામાં જ છબછબિયાં કરે છે તું, તને ખમ્મા !

રદીફો કાફિયાની નકરી નરદમ પેંતરાબાજીના છે સોગન તને
કહી દે કે વિકટ કમરાના આગળિયા ભીડે છે તું, તને ખમ્મા !…

~ લલિત ત્રિવેદી

‘ક્રોંચ ઘટના’ અને ‘મહર્ષિ’ જેવા પ્રયોગ પછી કોઈને ‘કાગળના કિનારે તપતા વાટડિયા જોતો’ બતાવવામાં કવિએ બંને અંતિમોનું ચોટદાર અનુસંધાન કર્યું છે. કવિએ પ્રયોજેલા ‘પરમાણુ’ શબ્દની અર્થચ્છાયા અહીં બંને રીતે ઉપસે છે. જેને પામવાનું છે એ અને જે પામવા નીકળ્યો છે એ !! ‘તને ખમ્મા’ પ્રયોગ આમ તો હૂંફ આપવા માટે વપરાય છે પણ અહીં ‘છબછબિયાં’ કરતાં જીવને છોડવાની કોઈ વૃત્તિ ન હોવાથી કવિએ અગાઉથી જ પેલા બિચારા જીવને બક્ષવાનું વલણ રાખ્યું છે.

23.4.21

***

દીપક વાલેરા

25-04-2021

વાહ ક્રોચ પક્ષી પૃષ્ઠભૂમિ પર રામાયણનું નિર્માણ ખૂબ સુંદર રીતે કવિ શ્રી ભાવભરી શક્યા છે આનંદ વિભોર છું

લતા હિરાણી

23-04-2021

મેવાડાજી, આપની વાત સાચી છે. કવિતા નિજાનંદે લખાય છે. જેને આ પ્રાપ્ત થતો હોય એણે જરૂર લખવું જ જોઈએ. મારી દૃષ્ટિએ અમુક બાબતોમાં ખરું ખોટું કાંઇ હોતું જ નથી નહીંતર રવીન્દ્રનાથ ટાગોર પછી કોઈએ કાવ્ય લખાય જ નહીં ! આ કવિનો વિચાર છે, જે કાવ્યમય સુંદરતા સાથે વ્યક્ત થયો છે.

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

23-04-2021

ઘણા કવિઓને આ લાગું પડતું હશે, અને ઘણા નિવડેલા કવિઓ ને ગમશે. ખરું કે ખોટું સમયજ કહેશે. સામ્પ્રત રચના.

લલિત ત્રિવેદી

23-04-2021

ખૂબ ખૂબ સરસ ઉપક્રમ.
અઢળક શુભેચ્છાઓ
મને પણ સામેલ કર્યો તે માટે ખૂબ ખૂબ આભાર

Harshad Dave

23-04-2021

કવિશ્રી લલિત ત્રિવેદીની ગઝલ અને આસ્વાદ ગમ્યા.
અભિનંદન.

kishor Barot

23-04-2021

વાહ, સરસ ગઝલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: