ઉદયન ઠક્કર ~ ન કૂંપળ, ન કળીઓ * Udayan Thakkar

ન કૂંપળ, ન કળીઓ, ન કુસુમો, ન ક્યારો,
સુગંધોને હોતો હશે કંઈ કિનારો?

લતાકુંજમાં કેમ ગુંજે સિતારો?
છે ભમરા? કે પાંખાળા સંગીતકારો?

લળીને ઢળીને ટહુકા કહે છે
‘તમે ક્યાંથી અહીંયાં? પધારો, પધારો !’

આ તોળાવું ઝાકળનું, તરણાંની ટોચે
અને મારા મનમાં કોઈના વિચારો….

મને જોઈને ઘાસ હળવેથી બોલ્યું,
‘જરા આમ આવો, પગરખાં ઉતારો.’

~ ઉદયન ઠક્કર

મને જોઈને ઘાસ હળવેથી બોલ્યું, ‘જરા આમ આવો, પગરખાં ઉતારો’ – આટલા શબ્દો આ રચના પર આફરીન થઈ જવા માટે પૂરતા છે. આ નમણી, નાજુક પદાવલિ માનવ સ્વભાવ પ્રત્યે, પર્યાવરણ પ્રત્યે પાર વિનાના સંદર્ભો લઈને આવે છે…. પણ અત્યારે આટલી કઠિન પરિસ્થિતિમાં આપણે એની નમણાશ અને હળવાશ સુધી પહોંચીએ એ જ જરૂરી. જાણીતા ગાયિકા નમ્રતાબહેને એનું મજાનું સ્વરાંકન કર્યું છે.

24.4.21

કાવ્ય : ઉદયન ઠક્કર – સ્વરાંકન અને સ્વર : નમ્રતા શોધન

*****

દીપક વાલેરા * 02-05-2021 * ઉડ્ડયન ભાઈ આપની રચનામાં આકાશી ઉડ્ડયન હોય છે

કાજલ સતાણી “મીરાં” * 24-04-2021 * મનભરીને માણ્યું…મીચીં આંખો,દ્રશ્ય માનસપટે નિહાળ્યું….
“આ તોળાવું ઝાકળનું તરણાની ટોચે,અને મારા મનમાં કોઇનાંં વિચારો”..આ પંક્તિ બહુ ગમી..

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ * 24-04-2021 * ખૂબ સુંદર કવિ ઉદયનનું ગીત એવું જ સુંદર નમ્રતાજીનું ગાયન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: