સર્જક પરિચય : કૃષ્ણલાલ શ્રીધરાણી * Krushnalal Shridharani * Shraddha Shridharani

કવિ કૃષ્ણલાલ શ્રીધરાણી

કવિનું માધ્યમિક શિક્ષણ ભાવનગરની પ્રખ્યાત દક્ષિણામૂર્તિમાં થયું. દક્ષિણામૂર્તિમાં અભ્યાસટાણે જ ચિત્રકળા સાથે કાવ્યલેખનની લગની લાગી હતી, જેમાં પ્રેરક હતા એમના ગુજરાતી ભાષાના શિક્ષક. ત્યારે ‘હાલ્યા તલકચંદ સાસરે રે લોલ’ જેવો સામાન્ય કક્ષાનો રાસડો લખાયો હતો; પરંતુ ઈ. સ. 1927માં લખાયેલું ‘હું જો પંખી હોત’ એ એમની પ્રથમ પ્રકાશિત કૃતિ. દક્ષિણામૂર્તિમાં હસ્તલિખિત પત્રો કાઢવાની પ્રવૃત્તિથી સર્જનવૃત્તિને વેગ મળ્યો.

એમનો પહેલો કાવ્યસંગ્રહ ‘કોડિયાં’ 1934માં પ્રસિદ્ધ થયો; જ્યારે ‘પુનરપિ’ મરણોત્તર બીજો કાવ્યસંગ્રહ ઈ. સ. 1961માં. ‘કોડિયાં’માં સંગૃહીત એમની કવિતા લોકપ્રિય બની છે. અહીં છંદ અને વિષયનું વૈવિધ્ય એમનો વિશેષ છે, જે કાવ્યસૂઝવાળી અભિવ્યક્તિથી પુષ્ટ થયેલો છે. સૌંદર્યનિષ્ઠ દૃષ્ટિ સાથે કાવ્યસૂઝ, લોકઢાળનો સુયોગ્ય વિનિયોગ, લયની સુઘડતા શ્રીધરાણીની કવિપ્રતિભાની દ્યોતક છે. રાષ્ટ્રપ્રીતિ, દલિત-પીડિત પ્રત્યે અનુકંપા સાથે શાંતિનિકેતનના સંપર્કે બંગાળની છાયાથી એમની કાવ્યછાબ ભરેલી છે. ગાંધીવાદને પગલે સમાજવાદની અસર અનુભવતા હોવા છતાં વાસ્તવના લેખનથી દૂર રહી એમણે કાવ્યના રસસૌન્દર્યની માવજત કરી છે. બાળકાવ્યો અને પ્રણયકાવ્યોમાં કવિના સંવેદનની વૈયક્તિકતા જણાઈ આવે છે. અહીં બાળસૃષ્ટિ, સ્વાતંત્ર્યઝંખના, ભક્તિ, પ્રણય અને પ્રકૃતિ જેવા વિષયોનું આકર્ષણ છે. ‘પતંગિયું ને ચંબેલી’ જેવાં કાવ્યોમાં ટાગોરનાં શિશુકાવ્યોની મોહકતા છે. સ્વાતંત્ર્ય અને સામાજિક વાસ્તવને નિરૂપતાં કાવ્યોમાં ભાવનાત્મક અભિગમ છે. ‘સ્વરાજ રક્ષક’માં ખેડૂતનો પ્રસ્વેદ જ શેલડીના મિષ્ટરસમાં રૂપાંતર પામે એ વકતવ્ય સૂચક છે. 

યુગની મહોર વાગી હોય એવાં અનેક કાવ્યોમાં વિચાર કે અર્થના પ્રાધાન્યને બદલે રસ અને સૌન્દર્યની ચમક દેખાય છે. અગેય પદ્યરચનાનો બહુ આદર નથી. શ્લોકબંધ, પ્રાસ જાળવવાનું વલણ તેમ જ ગેયતા તરફ એમનો પક્ષપાત રહ્યો છે; તેથી રૂપમેળ વૃત્તો કરતાં માત્રામેળ છંદોમાં રચાયેલાં કાવ્યોમાં તેમ જ સૉનેટ કરતાં ગીતોમાં સિદ્ધિ વિશેષ છે. સંવેદનમાં ઈન્દ્રિયસંતર્પકતા છે; ભાષામાં ઓજસ અને વ્યંજના છે; તેમ જ નાટ્યાત્મકતા વિશેષ ગુણલક્ષણ બની રહે છે. અનુગાંધીયુગમાં રવીન્દ્રનાથનો પ્રભાવ વિશેષ કાર્યાન્વિત થઈ રહ્યો હતો અને શુદ્ધ કવિતાની જિકર વધતી હતી ત્યારે એમણે રવીન્દ્રપ્રભાવને પર્યાપ્ત રીતે આત્મસાત્ કરી કેટલીક ઉત્તમ કાવ્યકૃતિઓનું સર્જન કરેલું. ‘આજ મારો અપરાધ છે, રાજા!’માં ટાગોરથી જુદી સ્વકીય ભાવમુદ્રા કવિએ ઉપસાવી છે. કવિએ અહીં મુક્તક પ્રકારની લઘુ ગેયરચનાઓ આપી છે ઉપરાંત સૉનેટ, ગીત અને પ્રસંગકાવ્યોની અજમાયેશ કરી છે. એમાં સૉનેટમાં સિદ્ધિ અલ્પ છે; પ્રસંગકાવ્યોમાં લાગણીના બળની સાથે નાટ્યાત્મકતા ભળે છે ત્યારે એ વિશેષ ચમત્કારક લાગે છે; દીર્ઘકાવ્યોમાં શિથિલ બંધ અને વાગાડંબર છે. ‘આઠમું દિલ્હી’, ‘બુદ્ધનું પુનરાગમન’ આદિ સ્વાતંત્ર્યોત્તર રચનાઓ કટાક્ષ અને વક્રતાપ્રેરિત છે. નવા વિષયો ઉપરાંત કાવ્યભાષાની રુક્ષતા અને પદ્યમુક્તિ અંગે કવિએ અનુભવેલી મથામણ નોંધપાત્ર છે.

રાજકારણ અને સમાજકારણ સાથેના ઘનિષ્ટ સંપર્કને કારણે નિર્ભ્રાન્ત બનેલા આ કવિ 1948 પછી પુનઃ કાવ્યલેખન આરંભે છે. ‘કોડિયાં’ (1957) – નવી આવૃત્તિમાં ઉમેરેલાં અગિયાર જેટલાં કાવ્યો તેમ જ મરણોત્તર પ્રગટ થયેલા’ પુનરપિ’ (1961) કાવ્યસંગ્રહમાં સંગૃહીત બાવીસ રચનાઓમાં ઊપસતું ઉત્તર શ્રીધરાણીનું કવિવ્યક્તિત્વ વિશિષ્ટ છે. કવિના ઊંડા વાસ્તવદર્શન અને વેધક કટાક્ષનિરૂપણની દ્રષ્ટિએ ‘આઠમું દિલ્હી’ અત્યંત નોંધપાત્ર કાવ્ય ગણાય. કટાક્ષ અને હાસ્ય એમની નવતર રચનાઓનાં સંઘટક તત્વો છે. તાજગીભર્યાં કલ્પનો અને પ્રતીકો ઉપરાંત ભાષાની સખ્તાઈ પણ ધ્યાન ખેંચે છે. સવૈયા અને ચોપાઈ જેવા છંદોને પરંપરિત કરવામાં તેમ જ એમાં ગદ્યના અધ્યાસો જગવી પ્રયોગ લેખે પદ્યમુક્તિની દિશા ચીંધવામાં એમની વિશેષતા છે.

ગાંધીજીની અહિંસક લડતમાં સામેલ થવાનું સહજ બન્યું. 1930ની દાંડીકૂચની પહેલી ટુકડીમાં જે સૈનિકોની પસંદગી થઈ તેમાં શ્રીધરાણી હતા. આથી શ્રીધરાણીએ સાબરમતી અને નાસિકની જેલયાત્રા કરી. એ જેલવાસમાં ‘વડલો’ જેવી સરસ નાટ્યકૃતિનું સર્જન થયું. ‘વડલો’ (1931) કૃષ્ણલાલ શ્રીધરાણીએ વીસ વર્ષની વયે રચેલું નાટક. એમાં કાવ્યતત્વ, નાટ્યતત્ત્વ સંગીત અને નૃત્યનો સમન્વય થયો છે; તેથી નાટકની બાળભોગ્યતા વધી છે. એમણે નાનાં-મોટાં મળી સોળ નાટકો લખ્યાં છે. 

કારાવાસની સજા દરમિયાન કેટલાક કેદીઓની આપવીતી સાંભળી, એ સત્યકથાઓને આધારે એમણે ટૂંકી નવલકથા ‘ઇન્સાન મિટા દૂંગા’ લખેલી; એમાં એમનું વાર્તાકાર તરીકેનું સામર્થ્ય પ્રગટ થયું છે.

આ ઉપરાંત એમના અગિયાર મહત્વના અંગ્રેજી પુસ્તકો પ્રકાશિત થયેલાં છે.

1945 પછી પ્રખ્યાત અંગ્રેજી અખબાર ‘અમૃત બાઝાર પત્રિકા’માં જોડાયા હતા, તે છેક મૃત્યુ લગી ત્યાં રહ્યા. ત્યારે એ અખબારમાં ‘Inside India’ નામક કોલમ લખતા. તે ખૂબ લોકપ્રિય બની હતી.

તેમને 1958નો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક મરણોત્તર એનાયત થયો હતો.

એમનો આયુષ્યકાળ લાંબો હોત તો સાહિત્યમાં વિશેષ પ્રદાન કરી શક્યા હોત. કવિ નાટ્યકાર શ્રીધરાણી ગાંધીયુગના સમર્થ સર્જક હતા.

@@@

કવિ કૃષ્ણલાલ શ્રીધરાણી
જન્મ : 16.9.1911  ઉમરાળા * અવસાન 23.7.1960 દિલ્હી
માતા-પિતા : લહેરીબેન જેઠાલાલ
જીવનસાથી : સુંદરીબહેન
સંતાનો : અમર, કવિતા  

સૌજન્ય : વિકિપીડિયા અને ગુજરાતી વિશ્વકોશ

આ સરસ મજાનો વિડીયો જરૂર જુઓ. શ્રદ્ધા શ્રીધરાણીના મધુર કંઠે કવિના સરસ મજાનાં ગીતો સાંભળો.

 

3 Responses

  1. કવિ શ્રી નો ખુબ સરસ પરિચય

  2. સરસ કવિની અને કવિતા વિષે લેખ. જોકે એમના વિષે ઘણું લખી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: