ભગતસાહેબ અને મિલ્ટન ~ રાજેન્દ્ર પટેલ * Niranjan Bhagat * Rajendra Patel

એક વાર કેટલાક મિત્રો ભગતસાહેબ (શ્રી નિરંજન ભગત) સાથે વિદેશી સાહિત્યની વાતો કરતા બેઠા હતા. જગતના મહાકાવ્યોની વાત નીકળી. અચાનક મને એ સમયે જ બનેલો એક પ્રસંગ યાદ આવ્યો. મેં એ વાત ભગતસાહેબને કરી.

ત્યારે મારી પુત્રી સેંટ ઝેવીયર્સ કોલેજના અંગ્રેજી વિષય સાથે અભ્યાસ કરતી હતી. તેને મિલ્ટનનું એક સોનેટ ‘ઓન હિસ બ્લાઇન્ડનેસ’ વર્ગમાં બરાબર સમજાયું નહીં હોય એટલે ઘેર આવતાં જ મને સમજાવવા માટે કહ્યું. હું તો વિજ્ઞાનનો વિદ્યાર્થી, પણ સાહિત્યમાં ગળાડૂબ રહેતો. હું ભણતો હતો ત્યારે મિલ્ટનનો કાવ્યસંગ્રહ ખરીદેલો અને ખોલતાં જ આ સોનેટ વાંચ્યું હતું. મારા મનમાં બરાબર વસી ગયેલું. મારા પિતાજીએ મોટી વયે દૃષ્ટિ ગુમાવી હતી એટલે મેં એ કાવ્ય ખૂબ રસથી વાંચ્યું હતું. સ્વયં જહોન મિલ્ટન પણ પ્રજ્ઞાચક્ષુ હતા. મેં તરત જ મારી લાઇબ્રેરીમાંથી એ પુસ્તક શોધીને એ કાવ્ય સમજાવ્યું.

આ વાત સાંભળીને ભગતસાહેબે કહ્યું કે પોતે જ્યારે અધ્યાપન કરતી વખતે આ કાવ્ય કોલેજમાં ભણાવતા હતા ત્યારે એક વાર આ એક સોનેટ છ મહિના ભણાવ્યું હતું ! સાહેબનો મિજાજ જાણવા છતાં મારાથી જરા આશ્ચર્યથી અને રોમાંચથી પ્રશ્ન પૂછાઇ ગયો.

‘ચૌદ પંક્તિનું આ કાવ્ય સાહેબ તમે છ મહિના સુધી ભણાવ્યું ?’

એમની લાક્ષણિક મુદ્રામાં તેઓ બોલ્યા કે એ વાત છેક પ્રિન્સિપાલ સુધી પહોંચી હતી પણ એમને ખ્યાલ ન હોય ને કે આ ચૌદ પંક્તિ ભણાવતાં ભણાવતાં મેં ‘પેરેડાઈઝ લોસ્ટ’ અને ‘પેરેડાઈઝ ‘રિગેઇન્ડ’ સહિત આખો મિલ્ટન ભણાવી દીધો હતો. મનોમન મને થયું કે કાશ, તે વખતે ભગતસાહેબનો હું વિદ્યાર્થી હોત તો !

‘વિશ્વવિહાર’ એપ્રિલ 2021માંથી સાભાર 

OP 27.4.2021

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: