કવિ ખલીલ ધનતેજવી : મજેદાર વાતો * આલેખન : રમેશ તન્ના * Khalil Dhantejavi * Ramesh Tanna

ખલીલ ધનતેજવી લેખક બને તે પહેલાં પત્રકાર બની ગયા. ગામના સમાચારો લખીને તેઓ વડોદરા લોકસત્તાને મોકલતા. તેમના મોકલેલા સમાચારો છપાતા પણ હતા. એક વખત એમના ગામમાં કોઈના ઘરે મહેમાન આવ્યા. રાત્રે મહેમાન જ ચોરી કરીને જતા રહ્યા. ખલીલ ધનતેજવીને ખબર પડી. તેમણે તો સમાચાર લખીને મોકલી દીધા. સમાચાર છપાઈ ગયા. પોલીસે જેના ઘરે ચોરી થઈ હતી તેમને અને ખલીલ ધનતેજવીને બોલાવ્યા. પીએસઆઈએ બધાને ખૂબ ખખડાવ્યા. તેમણે ખલીલ ધનતેજવીને કહ્યું કે પોલીસમાં રિપોર્ટ ના લખાયો હોય તો તમે સમાચાર શી રીતે છપાવી શકો ? તેમણે જવાબ આપ્યો કે એ મારી જવાબદારી નથી. મારા માટે જે ઘટના બની તેમાંથી સમાચાર બનતા હતા એ મહત્વનું છે.

પોલીસે કહ્યું, એમ કઈ રીતે તમે સમાચાર બનાવી શકો ?

લેખકે જવાબ આપ્યો, બનાવી શકાય, અત્યારે આપણી જે મિટિંગ થઈ તેના પણ સમાચાર બની શકે.

પોલીસે તરત તેમને જવા દીધા.

***

લેખક પર તેમના દાદાની ઘણી મોટી અસર. પહેલીવાર તેમણે દાદાને ચાર પંક્તિઓ સંભળાવી. તો દાદાએ પૂછ્યું હતું કે ક્યાંથી ઉતારી લાવ્યો ? તેમણે જવાબ આપ્યો હતો કે આપમેળે જ ઉતરી છે. દાદાની આંખમાં વિસ્મય અને કુતૂહલ હતાં. તેમણે કહ્યું કે તું વધારે લખ.

લેખકની કવિ તરીકેની થોડી થોડી ખ્યાતિ થવા લાગી. એ પછી બાજુના ગામના શિક્ષક સતીષ ડણાક તેમને તેમના ઘરે મળવા આવ્યા હતા અને લેખકની કવિતાઓ સાંભળીને ખૂબ રાજી થયા હતા.

ખલીલ ધનતેજવીનું પહેલું પુસ્તક ભજનની ચોપડી હતું તેવું કોણ માને ? પરંતુ એવું જ હતું. તેમના ગામના તેમના મિત્ર મંગુભાઈ પટેલે તેમને ઓફર કરી કે તું ફિલ્મી ઢાળ પર ગુજરાતી ભાષામાં ભજન લખે તો હું એની ચોપડી છપાવીશ. લેખકે એ ઓફર સ્વીકારી લીધી. સાવલી ગામના પ્રેસવાળાએ કહ્યું કે ક્રાઉન સાઈઝની સોળ પાનાની ચોપડી છપાવો તો સારું રહેશે. (ખર્ચની દૃષ્ટિએ સારું રહેશે.) ખલીલ ધનતેજવીએ એ સમયે લોકપ્રિય થયેલાં ફિલ્મી ગીતોના ઢાળ મુજબ સોળ ભજન ગીતો લખ્યાં. એમાં શ્રીરામને નજર સમક્ષ રાખીને માત્ર એક જ ગીત-ભજન લખાયું. બાકીનાં પંદર ગીતો શ્રીકૃષ્ણ ઉપર લખાયાં હતાં. એ ચોપડીનું નામ હતું નૂતન ભજનમાળા. એક હજાર પ્રત છપાવવામાં આવી હતી અને સવાસો રૂપિયા ખર્ચ થયો હતો. ચોપડીની કિંમત ૨૫ પૈસા રાખવામાં આવી હતી. લેખક કહે છે કે મારા શબ્દોને આ રીતે છપાયેલા જોઈને મને જે આનંદ થયો હતો તેનું વર્ણન અત્યારે શક્ય નથી.

આલેખન – રમેશ તન્ના

OP 9.4.2021

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: