કવિ નિરંજન ભગત અને રોબર્ટ ફ્રોસ્ટ
કવિશ્રી નિરંજન ભગત અને રોબર્ટ ફ્રોસ્ટની કવિતા
The woods are lovely dark and deep
But I have promises to keep
And miles to go before I sleep
And miles to go before I sleep …… Robert Frost
કવિતાના આ શબ્દો ભગતસાહેબના કાને પડ્યા અને એમણે આ કવિતા વિશે બોલવાનું શરૂ કર્યું. ભગતસાહેબ માટે આ કવિતા પર બોલવું એ કાંઇ નવી વાત ન જ હોય. અનેકવાર એમણે આ કાવ્ય અને કવિ પર વક્તવ્ય આપેલું હતું પણ ચાલીસેક મિનિટ અસ્ખલિત ચાલેલું આ પ્રવચન કંઈક અનોખું હતું. ભગતસાહેબના જ શબ્દોમાં,
“લતાબહેન આ કવિતા ઉપરનું આ મારું 51મું લેક્ચર છે અને એની વિશેષતા એ છે કે જેમાં શ્રોતા એકમાત્ર તમે છો.”
આહા ! હું ધન્ય થઈ ગઈ ! મારા જીવનનો આ એક અદભુત અને અત્યંત રોમાંચક પ્રસંગ !
આ વાત છે વર્ષ 2000ની. વાત કંઈક આમ હતી.
મારા પ્રથમ પુસ્તક ‘ઉજાસનું પ્રથમ કિરણ’ની પ્રસ્તાવના કોની પાસે લખાવવી એ હું વિચારતી હતી. દસકાઓ સુધી ગૃહિણી તરીકે જીવી હતી અને સાડાચાર દાયકા પછી સાહિત્યમાં પ્રવેશી. લખવાનું શરૂ કર્યું આથી સાહિત્યકારોને નામથી જાણું પણ ખાસ પરિચય નહીં. લગભગ 1999ની સાલમાં ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાનસત્ર કે અધિવેશનમાં હું ભગતસાહેબને પ્રથમ વાર મળી હતી. અને મને થયું કે મારા પુસ્તકની પ્રસ્તાવના લખાવવા એમની પાસે જ જાઉં. ફોન કરીને સમય માગ્યો. મળ્યો. હું ગઈ. મેં મારી વાત મૂકી. બે પળ તેઓ મારી સામે જોઈ રહ્યા ! પછી એમણે હા પાડી દીધી, પણ મને કહે,
“સમય લાગશે. હું પૂરેપૂરૂ વાંચી જઈશ પછી જ લખીશ. વાંચ્યા વગર નહીં લખું. ત્રણ મહિના લાગશે. ધીરજ હોય તો ફાઇલ મૂકી જાઓ.”
સ્વાભાવિક છે કે મારે હા જ કહેવાની હોય. તેઓ લખી આપવા તૈયાર થયા એ ઘણી મોટી વાત હતી. એમણે આપેલા સમયે ફોન કરીને હું એમની પાસે ગઈ. એમણે પૂરા ત્રણસો પાનાં વાંચ્યા હતા. ભૂલો રહી ગઈ હતી એના પ્રત્યે પણ ધ્યાન દોર્યું. ત્યાં નિશાનીઓ કરેલી હતી ! સમજાવ્યું પણ ખરું !
આ દરમિયાન મેં જેમને જેમને વાત કરી હતી કે ભગતસાહેબ મને પ્રસ્તાવના લખી આપવાના છે એ બધાને સાંભળીને આશ્ચર્ય થયું હતું. ઘણા લેખકોએ એમ પણ કહ્યું હતું કે તમારી કંઈક ભૂલ થતી હશે. ભગતસાહેબ કોઈને પ્રસ્તાવના લખી આપતા નથી.
એટલે મેં બહુ સંકોચ સાથે ભગતસાહેબને મેં આ વાત કરી અને ઉમેર્યું,
“જો આપના વિશે આ વાત હું જાણતી હોત તો કદાચ આપની પાસે આવવાની હિંમત ના કરત. મારા માટે મારું અજ્ઞાન બહુ ફાયદાકારક બન્યું !”
ભગત સાહેબ ખડખડાટ હસતાં કહે, “મને એ ખ્યાલ આવી જ ગયો ! પણ એટલે મેં તમને હા પાડી દીધી. બાકી હું પુસ્તકોની પ્રસ્તાવના લખવા માંડું તો મારે ત્યાં લેખકોની લાઈન થાય !”
હું અવાચક !
પછી વાત થઈ પેલી રોબર્ટ ફ્રોસ્ટની મારી પ્રિય કવિતા ‘and miles to go before I sleep’ની અને સાહેબ ખુશ થઈ ગયા. અને શરૂઆતમાં જણાવ્યો તે મારા જીવનનો એક રોમાંચક પ્રસંગ સર્જાઈ ગયો.
વંદન ભગતસાહેબ ! આવા વિદ્વાન અને આવા ઉમદા સાહિત્યકારો, ઉમદા માનવીની સાહિત્યજગતને કેટલી મોટી ખોટ છે !!
OP 1.5.2021
*****
Dilip Gajjar
21-06-2021
સરસ લતાબેન ભાગ્યવંત પળો ભાવ પ્રસંગ ગમ્યો
Anila shah
13-05-2021
Very nice experience
સંધ્યા ભટ્ટ
07-05-2021
વાહ…ભગતસાહેબે પ્રસ્તાવના લખી..કહેવું પડે,મિત્ર…
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
01-05-2021
માનનીય લતાજી, Robert Frost ની કવિતા નો હું પણ દીવાનો છું, અને આ પંક્તિઓ વાંચતાં જે જીદંગી નો સ્વિકાર અને અંત નું અનુસંધાન એટલું સુંદર રીતે થયું છે કે આપણે ‘આફ્રિન’ બોલી જઈએ.
ભગત સાહેબની અને.આપની એ વાત ગમી. ભગત સાહેબ જેવા સાચા સાહિત્યકારોની વાત અંનોખી હોયજ. આનંદ.
છબીલભાઈ ત્રિવેદી
01-05-2021
કવિ શ્રી નિરંજન ભગત સાહેબ તો સાહિત્ય જગત ના ધ્રુવ સમાન ગણાય તેની વિશે તો અમારા બીન સાહિત્ય ના માણસો ને શુ ખબર પડે પણ અેટલી ખબર કે આપની ઉપર તેની ખુબ લાગણી નમન ભગત સાહેબ આભાર લતાબેન
અરવિંદભાઈ દવે
01-05-2021
કવિ શ્રી નિરંજન ભગત માટે કંઈ કહી શકું, એવાં સક્ષમ શબ્દો નથી મારી પાસે…..
પણ, સાડા ચાર દાયકા પછી કોઈ ગૃહિણીને સાહિત્યની સ્કૂલમાં પ્રવેશ કરવાનો વિચાર આવવો એ ઘટના સ્વયં स्त्री शक्ति पराशक्ति ની દ્યોતક છે…..એ સંકલ્પ અને સિદ્ધિ સુધીનો પ્રયત્ન નમસ્કારાર્હ છે….ખૂબ ખૂબ અભિનંદન….શુભકામનાઓ….
મનોહર ત્રિવેદી
01-05-2021
તમારા પ્રત્યેનો આટલો અનુગ્રહ એને ગુજરાતી શબ્દના ચમત્કારથી હું ઓછો ન ગણું.
કુમારમાં છપાયેલ મારું શાર્દૂલગીત ‘હે ફાલ્ગુની!’ ને વર્ષના શ્રેષ્ઠ કાવ્યનો પુરસ્કાર મળેલો. મુ. બચુભાઈએ એ ગીત છાપ્યું ખરું પણ ગીત તરીકે સ્વીકારવાની ના કહી. કુમારમાં એની નોંધ પણ મૂકી. મહત્તા પુરસ્કાર કરતાં વિશેષ,એના પસંદગીકારોમાં આ. બચુભાઈ ઉપરાંત રાજેન્દ્ર શાહ અને નિ. ભગતસાહેબ હતા!
જે કહેવું છે તે હવે કહું:મેં મહુવા તેમ જ અધિવેશન કે પરિષદમાં રૂબરૂ સાંભળ્યા છે ને ધન્ય થયો છું,છતાં તેમને મળવામાં કાયમ સંકોચ રહ્યો!તમે પહોંચ્યાં ને દલ્લો હાથ કરી આવ્યાં!શુભકામનાઓ.
પ્રતિભાવો