કૃષ્ણ દવે ~ ઢીંગલી જેવાં * Krushna Dave

ઢીંગલી જેવાં લાગીએ છતાં આપણે મોટાં બહેન રે
કાંખમાં રમે ભાઇલા બબ્બે હોય પછી શાં વેન રે..

ભરબપ્પોરે રમવું પડે ઘમ્મવલોણું ઘમ્મ રે
તડકાને પણ ટાઢક વળે પગલી લીલીછમ્મ રે.
સ્હેજ ઘેરાતી આંખને ફૂટે એક સોનેરી ડાળ રે
દૂરથી ત્યાં તો દોડતાં આવે સપનાં નાનાં બાળ રે.

મન ફાવે ત્યાં બાંધીએ પાછાં તોડીએ ઊંચા મહેલ રે
આપણે તો ભાઇ જ્યાં જુઓ ત્યાં રેતની રેલમછેલ રે.
પાડવા ધારો એટલી એમાં પડશે રૂડી ભાત રે
ધૂળની નાની ઢગલી જેવી આમ અમારી વાત રે…
~ કૃષ્ણ દવે

આ એક ઢીંગલી જેવી મજૂર કન્યાનું ગીત છે. પોતે હજી ઢીંગલી જેવી પણ તોયે નાનકડા બબ્બે ભઇલા કાંખમાં વળગતા હોય ત્યારે એ નાનકીને મોટીબહેન બની જવું પડે. અદ્દલ કાઠિયાવાડી શબ્દ ‘વેન’ એટલે કે જીદ. બે નાના ભાઇની મોટીબેન કોઇ ચીજ માટે વેન ન કરી શકે. નાની છે એટલે રમવાનું મન તો એને થાય જ પણ કવિ કહે છે, ‘ભરબપ્પોરે રમવું પડે, ઘમ્મવલોણું ઘમ્મ રે’  જુઓ, કેટલી સાંકેતિક રીતે કવિએ આ છોકરીની વાસ્તવિકતાને વ્યક્ત કરી છે. એ બપોરે જ નવરી પડે. ઘમ્મવલોણું ઘમ્મ એટલે સવારનો સમય,, ત્યારે એણે ઘરકામમાં માને મદદ કરવાની છે, એ નવરી પડે છે ભરબપ્પોરે… આમ તો નવરીયે શાની ? મા મજૂરીએ છે એટલે કાંખમાં બબ્બે ભઇલાને સાચવવાનું કામ તો છે જ. ત્યારે એ રમે તોય રમે કેમ ? કૂણી કૂણી પગલીઓ, એટલી કૂણી કે ભરબપ્પોરના તડકાનેય ટાઢક વળે !! …

એની આંખ સામે ભલે મોટાં મોટાં આવાસો ચણાય છે પણ એના માટે તો રેતીના જ મહેલ. ભઇલાને સાચવતાં રેતીના ઢગલામાં એને રમવાનું ને રહેવાનુંય એમાં.. એમને માટે રેતી/ધૂળના જ આશરા… બાંધો, તોડો, વસો કે ખાલી કરો.. ફૂટપાથ પર રહેનારી બાળકીના સપનાં પણ કેવા હોય ? મજૂરને માટે કોઇ સ્થાયી વસવાટ નથી હોતો. મને શ્રી ધ્રુવ ભટ્ટની નવલકથા ‘સમુદ્રાન્તિકે’નો એક સંવાદ યાદ આવે છે, કથાનો નાયક પોતાનો સામાન ઉંચકનારને પૂછે છે, ‘તારે રહેવાનું ક્યાં ?’ અને એ જવાબ આપે છે, ‘અમારે મજૂરિયાંવને વળી ઘર કેવાં ? જ્યાં કામ મળે ન્યાં રઇએ’.

8 Responses

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    અકાળે કરમાતી બાલ્યાવસ્થાનું વેધક ગીત

  2. ઉમેશ જોષી says:

    વાહ સરસ રચના છે.
    કવિને અભિનંદન

  3. Kirtichandra Shah says:

    સુંદર કવિતા છે Dhanyvad

  4. Minal Oza says:

    બાલિકાની સંવેદનાને વાચા આપતું કાવ્ય..

  5. વાહ બહેન ને પોતાના ભાઈ નો વજન લાગતો નથી વાહ ખુબ સરસ રચના અભિનંદન

  6. 'સાજ' મેવાડા says:

    સાચા કવિની પ્હોંચ આમજ હોય, જ્યાં નજર પડે ત્યાં સંવેદનશીલ કવિને કવિતા દેખાય. કવિ શ્રી કૃષ્ણ દવેના ગીતો જુઓ તો ઘણું સમજાય. આપનો વિસ્તૃત આસ્વાદ કાવ્યને સરસ રીતે ઉઘાડી આપે છે. ખૂબ ગમ્યું.

  7. Kavyavishva says:

    સૌ પ્રતિભાવકો અને મુલાકાતીઓનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: