હવે થાકી ગયો સાકી, પુરાણા એ સુરાલયથી,
નશો ચડતો નથી મુજને તમારા મ્હેકતા મયથી.
ગગનમાં શું રહે છે, કોક મારા જેવો દુર્ભાગી,
કોઈ બોલાવતું લાગે છે મુજને એ મહાલયથી.
બધાં દશ્યો અલગ દેખાય છે, એ ભેદ સાદો છે,
હું દેખું છું વિમાસણમાં, તમે દેખો છો સંશયથી.
મને એ ભેદ લાગે છે દિલાસો આપનારાઓ,
તમે મુજ દુર્દશા દેખી રહ્યા છો ખૂબ વિસ્મયથી.
હું જાણી જોઈને મારાં કદમ એ જાળમાં મૂકું,
નથી હોતો કદી અજ્ઞાત તારા કોઈ આશયથી.
તમે અદૃશ્ય રહી બાજી ૨મો ગાફેલ રાખીને,
મહત્તા કોઈની ઘટતી નથી એવા પરાજયથી.
ન મારી આ દશાને ભૂલથી પણ દુર્દશા કહેતા,
ખરીદી પાનખર મોંઘી વસંતો કેરા વિક્રયથી.
જવું છે એક દી તો આજ ચાલ્યો જાઉં છું, મિત્રો,
હું મહેફિલમાં નથી આવ્યો, ટકી રહેવાના નિશ્ચયથી.
~ હરીન્દ્ર દવે

છેલ્લો શેર હ્રદયસ્પશીઁ છે..
સરસ ગઝલ..
સ્મરણ વંદના
This poem by Shri Harindra Dave is Unique and demands full attention
વાહ ખૂબ જ સરસ ગઝલ છે.
સૌ પ્રતિભાવકો અને મુલાકાતીઓનો આભાર.