અમૃત ઘાયલ ~ સમય જાતાં Amrut Ghayal

સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઈ જાયે છે,
ગમે તેવું દુ:ખી હો પણ જીવન જીવાઈ જાયે છે.

યુવાનીમાં વિપંથે વૃત્તિઓ દોરાઈ જાયે છે,
વિચારે લાખ કોઈ તોય ઠોકર ખાઈ જાયે છે.

હૃદય આવેશમાં ક્યારેક ઉશ્કેરાઈ જાયે છે,
અને ના બોલવાનું પણ કદી બોલાઈ જાયે છે.

જીવન બદલે તો બદલે, પણ પ્રણયરંગો નહીં બદલે,
હૃદય રંગાઈ જાયે છે તો બસ રંગાઈ જાયે છે.

નથી રહેતી પ્રણયવાતો કદી છાની નથી રહેતી,
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઈ જાયે છે.

જુદાઈમાં વલણ શું પૂછવું અશ્રુઘટાઓનું !
ઘડી ઘેરાઈ આવે છે, ઘડી વિખરાઈ જાયે છે.

જીવનમાં એક એવી આંધી આવે છે પ્રલયકારી,
દીપક હો જેટલા ઉરમાં બધા ઓલાઈ જાયે છે.

મુસીબતના દહાડા કસોટીનાં દહાડા છે,
છે પાણી કેટલું કોનાં મહીં જોવાઈ જાયે છે.

જીવન સારું જીગરની આહથી ફૂંકી દઉં ઘાયલ,
મને મારા ઉપર ક્યારેક એવી ખાઈ જાયે છે.

~ અમૃત ઘાયલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: