અમૃત ઘાયલ ~ દુખ વગર Amrut Ghayal

દુ: વગર, દર્દ વગર, દુ:ખની કશી વાત વગર,
મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર.

આંખથી આંખ લડી બેઠી કશી વાત વગર,
કંઈ શરૂ આમ થઈ વાત શરૂઆત વગર.

કોલ પાળે છે ઘણી વાર કબૂલાત વગર,
મળી જાય છે રસ્તામાં મુલાકાત વગર.

મજા કોણ ચખાડત મને આઘાત વગર ?
તારલાઓ હું નિહાળું છું સદા રાત વગર.

સાકિયા ! પીધા વગર તો નહીં ચાલે મુજને !
તું કહે તો હું ચલાવી લઉં દિનરાત વગર.

કોઈને કોઈ અચાનક ગયું જીવનમાં મરી,
એક દિવસ ગયો હાય, અકસ્માત વગર.

એમ મજબૂરી મહીં મનની રહી ગઈ મનમાં
એક ગઝલ જેમ મરી જાય રજૂઆત વગર

કામમાં હોય તો દરવાન, કહે ઊભો છું !
મુલાકાતી નહીં જાય મુલાકાત વગર.

અશ્રુ કેરો હું બહિષ્કાર કરી દઉં કિંતુ,
ચાલતું દિલને નથી દર્દની સોગાત વગર.

લાક્ષણિક અર્થ જેનો થાય છે જીવનનું ખમીર,
કોઈ ચમકી નથી શકતું ઝવેરાત વગર.

કલા કોઈ શીખે મિત્રો કનેથી ઘાયલ
વેર લેવાય છે શી રીતે વસૂલાત વગર

~ અમૃત ઘાયલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: