અમૃત ઘાયલ ~ ઇન્સાન નીકળ્યા Amrut Ghayal

ના હિન્દુ નીકળ્યા, મુસલમાન નીકળ્યા;
કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા.

સહેલાઈથી પ્રેમનાં અરમાન નીકળ્યા,
જો નીકળ્યા તો સાથ લઈ જાન નીકળ્યા.

તારો ખુદા કે નીવડયાં બિન્દુય મોતીઓ,
મારાં કરમ કે અશ્રુઓ તોફાન નીકળ્યાં !

રંગ જેને જીવ સમા જાળવ્યા હતા,
રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા.

મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,
કિન્તુ કરાર કલેશનાં મેદાન નીકળ્યાં.

કરતા હતા પહાડનો દાવો પલાશ પણ,
આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં.

હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
ઘાયલ, શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.

~ અમૃત ઘાયલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: