અમૃત ઘાયલ ~ હૃદય તૂટી ગયું છે Amrut Ghayal

હ્રદય તૂટી ગયું છે પણ હ્રદયધબકાર બાકી છે,
ભલે થઈ વારતા પૂરી પરંતુ સાર બાકી છે.

તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્રદયવીણા,
તૂટેલા તાર માંહે પણ કંઈ ઝણકાર બાકી છે.

ગમે ત્યારે જીવનમાં નવજીવન લાવી શકું છું હું,
હજુ તો લોહીમાં મારા જીવનધબકાર બાકી છે.

મહત્તા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.

મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.

જવાનીના પૂરા બે શ્વાસ પણ લીધા છે કયાં ઘાયલ,
હજુ કંઈ ત્યાગ બાકી છે, હજુ સ્વીકાર બાકી છે.

~ અમૃત ઘાયલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: