પારુલ ખખ્ખર ~ પીડાઘરના તૂટ્યાં તાળાં * Parul Khakhkhar  

વસમી સાંજે

પીડાઘરના તૂટ્યાં તાળાં વસમી સાંજે
ઊડયાં રે આંસુ પાંખાળાં વસમી સાંજે.

એક કિરણ આશાનું એણે ઠાર કર્યું ત્યાં,
મ્યાન થયાં જાતે અજવાળાં વસમી સાંજે.

કાગળમાં ફૂલો બીડયાં’તાં ઉગતા પહોરે,
પ્રત્યુત્તર આવ્યા કાંટાળા વસમી સાંજે.

હાથ કદી ના છૂટે એનો, નેમ હતી પણ
હાથ ન જોડાયા ભમરાળા વસમી સાંજે.

શું કહેવું એ શખ્સ વિશે જેણે ગણ્યા ‘તા
બે ડૂસકાં વચ્ચેના ગાળા વસમી સાંજે.

~ પારૂલ ખખ્ખર

સાંજ કેવી વસમી હોઈ શકે એ અચાનક માથે ચડી જતી કાર નીચે કચડાયેલા સંતાનોના માબાપોને પૂછો. સાંજ કેવી સ્ફોટક થઈ શકે એ અચાનક અકસ્માતમાં માર્યા ગયેલા યુવાનની પ્રેમીકાને પૂછો.
એક અકસ્માતના સમાચાર વાંચ્યા જેમાં સાવ બેદરકારીથી કાર ચલાવવામાં કેટલા યુવાનોના દીપ બુઝાઇ ગયા હતા અને આ ગઝલ પસંદ થઈ ગઈ.

12 Responses

  1. Jyoti hirani says:

    પીડા ના ચિતાર ની ગઝલ.ઉતમ ગઝલ,

  2. ઉમેશ જોષી says:

    સકળ શે’ર હ્રદયગમ્ય છે.

  3. Anonymous says:

    પારુલ ખખ્ખરનો મિજાજ જ કંઈક અલગ છે. જરાક હટકે અભિવ્યક્તિ. વસમી સાંજ કેવી વસમી! અભિનંદન

  4. શ્વેતા તલાટી says:

    વસમી સાંજની ખૂબ સરસ અભિવ્યક્તિ
    હ્રદય સ્પર્શી

  5. Minal Oza says:

    બુઝાયેલા દીપનો ચીત્કાર બનીને આવેલી આ ગઝલ સૌનું સમસંવેદન બની રહે છે.

  6. સાંજ ની વેદના ઘણાં કલ્પનો દ્વારા આબાદ ઝડપાઇ છે.
    આમેય કવયિત્રી પારુલ જીની રચનાઓ જરા હટકે હોય છે.

  7. Anonymous says:

    અંતિમ શેર તો…..હૃદય વિદારક અનુભૂતિ…

  8. Praful pandya says:

    દિલ હચમચાવતી ગઝલ !

  9. sanatkumar Dave says:

    @Parulbahen aavo anubhav ghana ne te divase zaroor thayoj hase paan aap jevi bhavna ne toorant aatla sunder shabdoma kavita rachi tene loko samax raju karvi kabile daad che…Dhaynawad..jay shree krishna..

  10. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    ગઝલ ક્ષેત્રે કવિયત્રી નવી નવી કેડી કંડારી રહ્યાં છે… ખૂબ સ્પર્શી ગઈ આખી ગઝલ…! પીડા ઘરના તાળા એવાં શબ્દો થકી શરૂઆત કરી ગઝલ ઉઘડતી જાય છે…!

  11. પારૂલબેનની આ ગઝલ સ્ત્રી-પુરુષ સહુએ કોઈને કોઈ મોડ પર જીવી હશે જ. ગઝલના પ્રત્યેક શેર પર આહ અને વાહ અનાયાસે નીકળતી રહી! આભાર લતાબેન, આટલી સર્વાંગ સુંદર ગઝલને લ્હાવો વાચકો સુધી પહોંચાડવા બદલ.🙏🙏🙏
    પારૂલબહેનને સો સો “ગઝલસલામ”!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: