હનીફ સાહિલ ~ બંધ દરવાજાની & મારા સર્વે * Hanif Sahil

કોણ છે ?

બંધ દરવાજાની ભીતર કોણ છે ?
હું જો બાહર છું તો અંદર કોણ છે ?

લાવ ચાખી જોઈએ ખારાશને
તું નદી છે તો સમંદર કોણ છે ?

કે સમયની રેત પર લિપિ લખી
આ પવન પૂછે નિરક્ષર કોણ છે ?

કોઈએ કંડારેલા પથ્થરને હું
રોજ પૂછું છું કે ઈશ્વર કોણ છે ?

કોણ વરસાવે છે પ્રશ્નોની ઝડી
ને રહે છે અનુત્તર, કોણ છે ?

~ હનીફ સાહિલ

આગળ

મારા સર્વે ગુમાનથી આગળ,
તીર કોઈ નિશાનથી આગળ.

ત્યાં હતું શહેર એક વસાવેલું,
મારા ઉજ્જડ મકાનથી આગળ.

થાય છે એવી તીવ્ર ઇચ્છા કે,
જઈને રહીએ જહાનથી આગળ.

હોય પંખી ભલે ને પીંજરમાં,
પણ છે દૃષ્ટિ ઉડાનથી આગળ.

શક્ય છે હો જમીન જેવું કંઈક,
દૂર આ આસમાનથી આગળ.

સાથ આપે તને તો લઈ ચાલું,
આ ધરા આસમાનથી આગળ.

દિલ ને દુનિયાની હકીકતથી હનીફ
છે ગઝલ દાસ્તાનથી આગળ.

~ હનીફ સાહિલ

10 Responses

  1. ગુલામ અબ્બાસ નાશાદ says:

    સરસ ગઝલ બંને

  2. બન્ને રચનાઓ ખુબ સરસ

  3. ઉમેશ જોષી says:

    બન્ને ગઝલ સંવેદનશીલ.

  4. Minal Oza says:

    જુદા જુદા વિષયોને લઈને આવતી બંને ગઝલ સારી છે.

  5. બંને ગઝલો મનનીય છે.

  6. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    શ્રી હનીફ સાહિલ એક ઉત્તમ ગઝલકાર છે… તેમની રચનાઓ દિલ દિમાગને સ્પર્શી જતી હોય છે… બન્ને રચનાઓ ખૂબ સરસ…

  7. જયેન્દ્ર શેખડીવાળા says:

    હનીફ ગુજરાતી ભાષાના અવ્વલ અને અગ્રણી ગઝલ છે.

  8. હનીફ ગુજરાતી ભાષાના અવ્વલ અને અગ્રણી ગઝલ છે.
    ગુજરાતી વિવચન એમને મુખોમુખ થયું જ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: