હરીશ જસદણવાળા ~ ~ ઉઘાડી રાખજો બારી * Harish Jasdanwala

*ઉઘાડી રાખજો બારી *

સમયના ચિત્રને જોવા ઉઘાડી રાખજો બારી
પવનના સ્મિતને જોવા ઉઘાડી રાખજો બારી !

હવાના મ્હેલની ભીંતો જુઓ તો પારદર્શક છે
હવાની ઈંટને જોવા ઉઘાડી રાખજો બારી !

તરુઓની કરી હત્યા નવા રસ્તા બનાવ્યા હો
તરૂની ચીસને જોવા ઉઘાડી રાખજો બારી !

ગગન જ્યારે અબોલામાં ધરાને પણ મનાવે છે
ધરાની રીસને જોવા ઉઘાડી રાખજો બારી.

કદી સંધ્યા નજ૨ ફેંકી સમયને રે કરે  ઘાયલ,
નજરના તીરને જોવા ઉઘાડી રાખજો બારી

~ હરીશ જસદણવાળા

બારીનું પ્રતીકથી મન ખુલ્લું રાખવાની વાત કવિએ સરસ રીતે કરી છે. આંખ સામે કેટકેટલા સુંદર દૃશ્યો વેરાતા રહેતા હોય છે ! એને જોવા, માણવા માટે આપણી પાસે નજર નથી હોતી. ક્યારેક એની સમજણ પણ. અને આપણે એમ દરવાજા બંધ કરીને બેઠા હોઈએ છીએ. ક્યારેક જાણીને, ક્યારેક અજાણતાં. હવાનો મહેલ કે ધરાની રીસ જેવા કલ્પનો મનને મોહે છે તો તરૂની ચીસનું કલ્પન હૃદયને સ્પર્શતું પીડા ઉપજાવે છે.

‘ઉઘાડી રાખજો બારી’ એ સૂત્ર અપનાવી લેવામાં આવે તો જીવનની મોટાભાગની મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય.

*****

અને કવિની આ બીજી ગઝલ પણ માણો

*નાનીસૂની વાત નથી*

જીવન આખું અર્પણ કરવું નાનીસૂની વાત નથી;
બળતા હાથે સર્જન કરવું નાનીસૂની વાત નથી.

કક્કાથી કવિતાના રસ્તે શબ્દોનો વિશ્વાસ મળ્યો ?
ભાષા સાથે સગપણ કરવું નાનીસૂની વાત નથી.

માણસ જેવો માણસ આજે માણસમાંથી બાદ થયો,
માણસનું અવલોકન કરવું નાનીસૂની વાત નથી.

તેઓને જીવનમાં સૌથી ઝાઝું હરિનું હેત મળ્યું,
એ સંતોનું ચિંતન કરવું નાનીસૂની વાત નથી !

~ હરીશ જસદણવાળા

13 Responses

  1. રેખાબેન ભટ્ટ says:

    ઉઘાડી રાખજો બારી… સરળ શબ્દોમાં મનગમતું અને સુંદરતમ મેળવી લેવાની વાત… 🙏🌹🌹

  2. ઉઘાડી રાખજો બારી રચના એ પ્રભાશંકર પટણી ની કવિતા ની યાદ અપાવી કવિ શ્રી ની બન્ને રચના ખુબજ સરસ ખુબ ખુબ અભિનંદન આભાર

    • Kavyavishva says:

      વાહ છબીલભાઈ, તમારો કવિતાનો અભ્યાસ ઘણો સારો છે.

      ~ લતા હિરાણી

  3. ઉમેશ જોષી says:

    પ્રલંબ રદીફની સુંદર ગઝલ છે..અભિનંદન.

  4. જ્યોતિ હિરાણી says:

    બારી નું પ્રતિક ગઝલ ને સુન્દર તેમજ ભાવવાહી બનાવે છે

  5. Anonymous says:

    વાહ.. કવિશ્રીના તાજેતરમા પ્રકાશિત થયેલ ગઝલ સંગ્રહ
    ‘ ઉઘાડી રાખજો બારી ‘ ને આવકાર અભિનંદન શુભકામનાઓ

  6. Anonymous says:

    છબીલ ભાઈની વાત સાવ સાચી છે. ‘ઉઘાડી રાખજો બારી’ ્્.એ ટુકડો સર પ્રભાશંકર પટ્ટણીની રચનાનો જ છે.. ગમે તેમ પણ આ ગઝલના સંદર્ભમાં કવિએ બીજી ગસરસ ભાવતંતુ સાધ્યો છે.
    બીજી ગઝલ પણ એ રીતે સરસ છે.

  7. Kirtichandra Shah says:

    ઉઘાડી રાખજો બારી ખરેખર સુંદર કવિતા છે તરુઓની ચીઝ અને ગગન ના અબોલા વાહ શું કલ્પના છે

  8. અર્જુનસિંહ કે રાઉલજી says:

    વાહ અતિસુંદર કાવ્ય ખૂબ ખૂબ અભિનંદન હરીશભાઈ અને લત્તાબહેન પણ અભિનંદનને પાત્ર છે કાવ્યવિશ્વની લોકપ્રિયતા આભને આંબી રહી છે હાર્દિક શુભેચ્છાઓ

  9. બંને ગઝલ સરસ

  10. બંને ગઝલોની રદીફ, “ઉઘાડી રાખજો બારી” અને “નાનીસૂની વાત નથી” જીવનમાં સમ-સંવેદન સાથે પ્રકૃતિને અને દુનિયાને જોવા સમજવીની વાત કરે છે. ખૂબ જ સરસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: