જયંતિલાલ દવે ‘વિશ્વરથ’ ~ નજર લાગી

નજર લાગી

તરસને ઝાંઝવાંના એક અણસારે નજર લાગી

વિરહને ચાંદનીના સોળ શણગારે નજર લાગી,

કમળને સાંધ્યના રંગીન અંધારે નજર લાગી

કુમુદને પણ ઉષાના તેજ-અંબારે નજર લાગી

નજર લાગી હજારો વાર હળવાં ફૂલ હૈયાંને,

કહો પાષાણ દિલને કોઈની ક્યારે નજર લાગી?

ચકોરીએ નજર ઊંચી કરીને મીટ માંડી, ત્યાં –

શશીની પાંપણોના રમ્ય પલકારે નજર લાગી.

અમારી નાવડીની કમનસીબી શી કહું તમને?

બચી મઝધારથી તો છેક ઓવારે નજર લાગી.

પ્રથમ ઉપચાર હું કોનો કરું, સમજાવશે કોઈ ?

હૃદય ને આંખડી બન્નેયને હારે નજર લાગી.

લથડિયું ખાઈને આકાશથી ગબડી પડ્યો તારો;

ધરા પરથી શું એને કોઈની ભારે નજર લાગી?

દિવાનો વિશ્વરથ’ ઘૂમી વળ્યો નવખંડમાં, તો પણ

નથી એને સફરમાં ક્યાંય તલભારે નજર લાગી.

~ જયંતિલાલ દવે ‘વિશ્વરથ’ (30.12.1910-5.1.1990)

કવિના કાવ્યસંગ્રહો 1. સંજીવની 2. મલયાનિલ 3. પ્રેરણાના પુષ્પો

કવિના જન્મદિને સ્મૃતિવંદના

*****

આ જ કવિની એક બીજી મજાની રચના

નીંભાડો ખડકાણો મારા નાથનો, માંહીં ઓરાણાં તમામ  

નાનાં ને મોટાં, નીચે-ઉપરે, ઠાંસીને ભરિયાં છે ઠામ.

લાગી રે લાગી આ ઝાળું આગની, એના તમે કરી લ્યોને સંગ;

ચારે રે દિશાથી તાપને નોતરો, જોજો એક્કે કાચું રહે નહિ અંગ….

આયખું ઉજાળો તપીને ટેકથી, જોજો ભાઈ, ખૂટી નવ જાય હામ !

ફૂટયાં તે દી કહેવાશે ઠીંકરાં, કોઈ નહિ કહેશે તમને ઠામ.

નીંભાડો ઉખાળી લેશે પારખાં, છાપ દેશે છાતીને મોઝાર;

ઝીલીને રૂદિયામાં એની છાપને, પહોંચવું દુનિયાને દુવાર.

કાળે રે ઉનાળે તરસ્યું ટાળવી, શોષી સઘળા તાપ;

ભીતરની ભીનાશું, ભાઈ, નવ મૂકવી; પડે ભલે તડકા અમાપ…

~ જયંતિલાલ દવે ‘વિશ્વરથ’ (30.12.1910-5.1.1990)

6 Responses

  1. લલિત ત્રિવેદી says:

    વાહ વાહ

  2. બન્ને રચનાઓ ખુબ માણવા લાયક કવિ શ્રી એ નિંભાડા ના સંદર્ભ દ્નારા સરસ વાત કરી આભાર લતાબેન

  3. જ્યોતિ હિરાણી says:

    વાહ, બહુજ સરસ ગઝલ,અને ગીત.કવિની બીજી રચનાઓ પણ મુકજો.અભિનંદન અને કાવ્ય વિશ્વ નો આભાર

    • Kavyavishva says:

      મુલાકાત લેવા બદલ અને પ્રતિભાવ આપવા બદલ તમારો પણ આભાર જ્યોતિબેન.

  4. હરીશ દાસાણી.મુંબઈ says:

    “વિશ્વરથ”ની બંને રચનાઓ સશક્ત કાવ્ય કૃતિઓ છે. તેમની પણ્યસ્મૃતિને વંદન.

  5. બંંને રચના આસ્વાદ્ય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: