અખાના છપ્પા  

તિલક કરતાં ત્રેપન વહ્યાં, ને જપમાળાનાં નાકાં ગયાં;

તીરથ ફરી ફરી થાકયાં ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ;

કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

**

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ;

પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન;

તે તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?

**

જો જો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યું ઢોલ.

અંધ અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા;

ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી, કહે અખો એ વાતો અમે જાણી.

**

દેહાભિમાન હૂતો પાશેર, તે વિદ્યા ભણતાં વધ્યો શેર;

ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો.

અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય.

(ખેડે=ગામમાં, ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી= ઘાણી એટલે તેલી બી પીલી તેલ કાઢવાનું સાધન; કોદરા જુદા હોય તો એની ઘેંશ થાય અને તલ જુદા હોય તો પીલીને તેલ કાઢી શકાય. પણ જો બંને ભેગા થયા હોય તો ન ઘેંશ બની શકે, ન તેલ કાઢી શકાય. અર્થાત્ કશા કામના નહીં )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: