લતા હિરાણી ~ સાદ કરું ત્યાં * Lata Hirani

સાદ કરું ત્યાં હરિ આવીને આગળ ડગલું ભરે
પગલે પગલે દીવો થઈને સંગાથે સંચરે
મારી આંખો ખરખર ખરે……

વાતે-વાતે વાંધા વેરી, વાતે-વાતે મરી
પોથી-પુસ્તક શાસ્તરની મેં શોભા ભીંતે કરી
અણસમજથી કર્યા ઉધામા, રહી રહીને આછરે
મારી આંખો ખરખર ખરે…… 

ઓછાબોલી હું અટવાતી, હરિએ હામી ભરી
ખૂબ ઉકાળી, ગાળી, ચાળી ; આખરમાં હું ઠરી
બાથ ભરી છે સાવ ભરોસે, ભવબાધા પરહરે
મારી આંખો ખરખર ખરે…

લતા હિરાણી

કવિને તો એની રચના ગમે જ પણ નમ્રતાબહેનને ગમી અને એમને એનું સ્વરાંકન કરીને ગાઈ એ વિશેષ ગમ્યું. આભાર આભાર…

આ ગીત નમ્રતાબહેનના મધુર કંઠમાં તમને પણ સાંભળવું ગમશે….

કાવ્યસંગ્રહો  1. ‘ઝળઝળિયાં’  2. ‘ઝરમર’

7.1.21

કાવ્ય : લતા હિરાણી સ્વરાંકન અને સ્વર : નમ્રતા શોધન

Purushottam Mevada, Saaj

13-04-2021

આદરણિય લતાજી, આપની કવિતા ખૂબજ સુંદર ભગવત્ ભાવમાં છે, અને નમ્રતાજી નું સ્વરાન્કન અને ગાયન પણ મજાનું છે. કવિ શ્રી ગોસ્વામીની ગઝલ ખૂબ ગમી.

પ્રફુલ્લ પંડ્યા

13-04-2021

સાદ કરું ત્યાં હરિ આવીને આગળ ડગલું ભરે… ખૂબ સુંદર ભાવવાહી રચના છે.સાદ પાડતાં જ હરિ આવીને દીવો ધરતાં સાથે સાથે સંચરે છે આ ધટના જ કવિયત્રી સાથે ભાવકનાં અંતરમનને પણ ભરી દે છે.પછી તો બસ ” મારી આંખો ખરખર ખરે ” આ આંસુ હરિ હાજરીની પ્રતિતીનાં છે જેમાં જાત સાથે આત્મા પણ ભીંજાય છે ! હરિ સહવાસની આ ક્ષણો ભાવ- સંવેદનાનાં અનેક વર્તુળો પૂરાં કરીને પ્રભુ વત્સલતાનું ભકતિભાવભર્યુ અજવાળું પ્રકટાવે છે.લતાબેન, ખરેખર ‌સરસ કાવ્ય !
પ્રફુલ્લ પંડ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: