દર્શક આચાર્ય ~ શ્વાસ માર્ગે પ્રયાણ * Darshak Aacharya

જાડેજા

શ્વાસ માર્ગે પ્રયાણ, જાડેજા,
નિજના ઘરને પિછાણ, જાડેજા.

કાળના તું પ્રવાહને ઓળખ,
તો જ તરશે વહાણ, જાડેજા.

જ્યોત જગવી તું વાંચ કાગળને,
તો ઊકલશે લખાણ, જાડેજા.

પાપ તારાં બધાંય બોલી જા,
તો જ આપું પ્રમાણ, જાડેજા.

જાત ઓળંગવી સરળ ક્યાં છે?
ખૂબ કપરાં ચઢાણ, જાડેજા.

બેડલીને ઊગારવા તારી,
સંતની કર સુવાણ, જાડેજા.

આંબવો હોય કાળને તારે,
પાંચ ઘોડા પલાણ, જાડેજા.

– દર્શક આચાર્ય

કવિશ્રી દર્શક આચાર્યની ‘જાડેજા’ શીર્ષકની ગઝલ ‘ખફીફ’ છંદમાં છે. જાડેજા સંબોધન સરસ રીતે ગઝલમાં  એકત્વ પામ્યું છે. જાડેજા એટલે કોઈ વ્યક્તિ સંદર્ભે નહીં પણ સમસ્ત જાતિ સંદર્ભે અહીં જોવાનો ઉપક્રમ છે.એમની વીરતા, વટ્ટ,વચન અને ટેક ની સાથોસાથ એમની ચોતરફ પ્રવર્તતી કીર્તિગાથા અહીં એક એક શેરમાં સાવ સહજ રીતે રજૂ કરવાનો દર્શકનો ઉપક્રમ સફળ રહ્યો છે.જાડેજા રદ્દીફ અહીં પ્રત્યેક શેરમાં નવા નવા અર્થ સંચયો લઈને આવ્યો છે.અહીં ઇતિહાસ પણ છે.ભવિષ્ય પણ છે.શ્રદ્ધા પણ છે તો સામે પૂરે જવાનો વિશ્વાસ પણ તારસ્વરે પ્રગટી રહ્યો છે.જાડેજા એ નેતૃત્વનું શ્રદ્ધાથી સમાજ દ્વારા સર્વ સ્વીકૃત નામ છે.આવા જાડેજાને પણ દાર્શનિક રાહે કવિ દર્શકે ક્યાંક ક્યાંક સુમાર્ગે ચાલવાના ઈંગિત આપ્યા છે.આ કવિ દ્વારા અપાયેલું ઇંગિત જ આખી રચનાનું નોંધનીય પાસું છે. કવિ અહીં સ્રષ્ટાની ભૂમિકામાં દેખાઈ રહ્યા છે.એમાં એ સફળ થયા છે એનો આનંદ છે. – દિલિપ જોશી 

8.1.21

*****

Purushottam Mevada, Saaj

13-04-2021

કવિ શ્રી દર્શકભાઈની ગઝલ , ‘પાપ તારું પ્રકાશ જાડેજા’ ગીત યાદ આવી ગયું, શક્ય છે ગઝલના ભાવ.એમણે એ રીતેજ નિભાવ્યા છે. મારી ગઝલ આપને ગમી, અને થોડા શબ્દોમાં એને ઉઘાડી આપી એ બદલ આપનો આભારી છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: