રક્ષા શુક્લ ~ કાલ દરિયાએ કીધું તું

કાલ દરિયાએ કીધું તું કાનમાં

‘નદીઓનું પાણી મને ઓછું પડે, તારા આંસુઓ આપ મને દાનમાં’

કાલ દરિયાએ કીધું તું કાનમાં…..

દરિયાએ હાથ જરા લંબાવ્યો, આંસુની ખારપ જઈ દરિયાને વળગી

દરિયાએ વાદળને પાણી આપી ને પછી રાખી એ ખારપને અળગી

તે દિ’થી દરિયો આ ક્યારા ભરે ને બધી ખારપ ઢોળે છે ખાનપાનમાં

કાલ દરિયાએ કીધું તું કાનમાં…..

નદિયુએ દરિયાને માપ્યો તો મારી પણ આંખોએ એને જઈ ચાખ્યો

નદિયુની મીઠપને વ્હાલ કરી આંસુના ભેજનો મલાજો એણે રાખ્યો

આંસુની ઝળહળથી મોતી ડરે, વાત મછવારણ સમજી ગઈ સાનમાં

કાલ દરિયાએ કીધું તું કાનમાં…. 

~ રક્ષા શુક્લ

કવિ રક્ષા શુક્લના આ ગીતમાં ઘણું ઊંડાણ છે. એમણે દરિયો અને નદી જેવા સાદા પ્રતીકો પસંદ કર્યા છે પણ કહેવાની વાતને એ બંને વચ્ચે અદભૂત કલ્પનોના દોરમાં પરોવી છે. દરિયા જેવો દરિયો ઊઠીને કોઈના કાનમાં કહે, આંસુઓ દાનમાં માંગે એ જેવીતેવી વાત નથી. જીવનમાં ક્યારેક એવી ક્ષણોમાંથી માનવીને પસાર થવું પડે છે કે જ્યારે એના આંસુ પાસે દરિયોય નાનો લાગે, સૂકો લાગે. ઊછળતા દરિયાના અગાધ પાણી કરતાં આંસુની તાકાત કેટલાય ગણી વધી જાય ! આ આંસુના પૂર પૃથ્વીને ડૂબાડી દે તેવા ભયંકર હોય. પ્રલય સર્જી શકે એવા પ્રખર હોય.

કવિએ અહીં જો ‘મને કાનમાં’ જેવા શબ્દોનો ઉપયોગ ન કર્યો હોત તો કદાચ જુદું જ ભાવવિશ્વ સર્જાત ! બની શકે કે એક સરસ પ્રકૃતિકાવ્ય ઉપસી આવે  ! પણ બે-ચાર વ્યક્તિવાચક શબ્દો ઉમેરીને કવિએ કમાલ કરી દીધી છે. પૂરા ગીતને ઊર્મીગીતમાં ઢાળી દીધું છે.

સાભાર – ‘આલ્લે લે’ કાવ્યસંગ્રહ 

12.1.21

રક્ષા શુક્લ

13-04-2021

લતાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. મારું કાવ્ય આપને ગમ્યું, તેને કાવ્યવિશ્વમાં સ્થાન આપ્યું એનો ખૂબ રાજીપો જી. કેટલા સાતત્યથી આપ કાવ્યવિશ્વને એક ઊંચાઈ આપી ભાવકો સમક્ષ ઉત્તમ સાહિત્ય પીરસી રહયાં છો ! સલામ જ કરવી ઘટે..ફરી આભાર…

Bakulesh DesI

13-04-2021

સર્વશ્રી રક્ષા શુક્લ ને દર્શક આચાર્યની રચનાઓ વધુ ગમી.. આસ્વાદ લેખો પણ..સૌને અભિનંદન
Bakulesh DesI

Purushottam Mevada, Saaj

13-04-2021

આસ્વાદ તો શાંતિથીજ વંચાય. કવિયત્રી રક્ષાજીની કવિતા/ગીત ખૂબ ગમ્યું. આવા પ્રતિકો અને ભાવ અચાનક રચાઈ જાય છે.

પારૂલ બારોટ

13-04-2021

ખૂબ સુંદર

સુરેશ જાની

13-04-2021

કાલ દરિયાએ કીધું તું કાનમાં
બહુ જ સરસ સજીવારોપણ. આપણી આસપાસની નાની નાની ચીજો પણ આપણા ચિત્તમાં સંવેદના અને વિચારો / પ્રતિઘોષ જન્માવી શકતા હોય છે. નદી અને દરિયો તો બહુ મોટી હસ્તી! પણ એ સાંભળી શકનારને સલામ .

1 Response

  1. રક્ષા શુક્લ says:

    બકુલેશભાઈ, પારૂલબેન, પુરુષોત્તમભાઈ, સુરેશભાઈ…
    આપ સૌને મારી રચના ગમી એનો ખૂબ રાજીપો…
    લતાબેનની આભારી છું કે એમણે કાવ્ય ગમ્યું…બસ, સૌના વાત્સલ્યને વધુ લાયક બનું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: