શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ ~ આંખ એકાએક

આંખ એકાએક ઓચિંતી ભરો એવું બને?

સહેજ ચાલીને તમે પાછા ફરો એવું બને ?

આવવાની ઝંખના હોવા છતાં આવ્યા નથી ,

ક્યાંક પાછા એ જ ઈચ્છાને વરો એવું બને ?

ક્યાં કદીયે એક સાદે કોઈ પ્રશ્નો સાંભળ્યા ?

જીવતા જીવે અહમથી પણ ડરો એવું બને ?

હું સમી સાંજે સમયને શોધવા પાછો ગયો,

જિંદગીને આપ પણ શોધ્યા કરો એવું બને?

આમ તો “ભીનાશ” જેવું ક્યાં હતું વાતાવરણ

તોય ફોટા આંસુના સામે ધરો એવું બને? 

શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

‘ભીનાશ’ ઉપનામ રાખવું જેને ગમે એનું હૈયું ભેજભર્યું હોય ! આ રચના એવી જ ભેજભરી છે. કવિતાની શરૂઆત જ આંસુથી થાય છે. કોઈ જતાં જતાં એકવાર ફરી પાછું વળીને જુએ તો ! એનો અર્થ-સંદર્ભ આપણે બધાં જાણીએ છીએ. ‘એવું બને ?’ રદ્દીફ તલાશને જીવતી રાખે છે, હૈયાને લીલુંછમ્મ રાખે છે. કોઇની ઝંખના છે અને ‘આમ થશે ?’ ‘આમ થાય તો !’ આ કલ્પનાઓના આટાપાટામાં સમયને સતત સાંધ્યા કરવાની મથામણ સરસ રીતે વ્યક્ત થઈ છે. GTPL પર ઝળકતા અને ગીત-ગઝલ લખતા કવિએ એક કાવ્યસંગ્રહ પણ આપ્યો છે, -‘નિખાલસ’   

13.1.21

***

Purushottam Mevada, Saaj

13-04-2021

કવિ શ્રી ભીનાશ ની ગઝલ સુંદર છે, ગમી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: