નરેશ સોલંકી ~ વાલમજી માવાને વસ

પ્લાસ્ટિકની કોથળીમાં સુરજનો ચૂનો ને ચૂનામાં ચાંદાનો રસ
સૈ વાલમજી માવાને વસ..

બંને હથેળીમાં હોવાની ઘટનાને આખું આકાશ ભરી મસળે છે
તારીખના પાનાંની જેમ રોજ રોજ એનું પણ સ્વાસ્થ્ય કથળે છે
પ્રેમ ભર્યા ગીત બધાં ચૂર-ચૂર થાય એવું મુખ ભર્યું એનું ઠસોઠસ
સૈ વાલમજી માવાને વસ..

લાલ લાલ હોઠ નહીં કાળુ છમ હેત અને મોગરાની ગંધ સાવ કાળી
પૂનમની રાત સાવ પથ્થર થઈ જાય એવી અંદરથી કોરી કટ બાળી
કેટલા એક નાનકડા સુખ માટે તૂટે કાં તેની નસેનસ
સૈ વાલમજી માવાને વસ

– નરેશ સોલંકી

કેન્સર જેવી કાળી ઘટનાની પીડાને કોઈ આવું કાવ્યમય રૂપ આપી શકે ! કહેવું પડે….

આજે વિશ્વ કેન્સર દિવસ. તમાકુનું વ્યસન બધે જ ભયંકર રીતે ફેલાયેલું છે. સૌરાષ્ટ્રમાં હથેળીમાં માવો મસળતા લોકોને દર પાંચમે ડગલે જોયા છે. તમાકુના સેવન સામે આટલી કાનૂની ચેતવણી અને નજર સામે અનેક અસહ્ય ઉદાહરણો છતાં આ હાલત છે ! ખેર… લાચાર થઈને જોવાનો કોઈ વિકલ્પ નથી પણ …..

તમાકુને હથેળીમાં મસળવાની વાતને કોઈ ‘હોવાની ઘટનાને આખું આકાશ ભરી મસળે છે’ એમ રચે ત્યારે કવિને સલામ કહેવા પડે ! બીજા અંતરામાં પણ કવિતા છલકે છે ! 

4.2.21

****

Purushottam Mevada, Saaj

13-04-2021

કવિ નરેશજી, કવિતા ગમી.

વારિજ લુહાર

13-04-2021

આજે વિશ્વ કેન્સર દિવસે રાજકોટ ના કવિશ્રી નરેશ સોલંકી ના
ઉત્તમ ગીતનો ખૂબ સરસ આસ્વાદ ગમ્યો

નરેશ સોલંકી

13-04-2021

ખૂબ ખૂબ આભાર.

સુરેશ જાની

13-04-2021

વાલમજી માવાને વશ. કેન્સર કાવ્યમાં હળવો આક્રોશ ગમ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: