ચંદ્રકાંત શેઠ ~ ઊંડું જોયું Chandrakant Sheth

ઊંડું જોયું, અઢળક જોયું;
મનમાં જોયું, મબલખ જોયું.

ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ,
કોક ગેબના તળિયાનાં મહીં ઝલમલ ઝલમલ મોતી!

તળિયે જોયું, તગતગ જોયું;
ઊંડે જોયું, અઢળક જોયું.

માટીથી આ મન બંધાયું ને મનથી કૈં મમતા;
એ મમતાની પાળે પાળે હંસ રૂપાળા રમતા!

જળમાં જોયું, ઝગમગ જોયું;
ઊંડે જોયું, અઢળક જોયું.

આ ઘર, ઓ ઘર કરતાં કરતાં, ઘૂમી વળ્યા આ મનખો;
ધૂણી-ધખારે ઘટ ઘેર્યો પણ અછતો રહે કે તણખો?

પલમાં જોયું, અપલક જોયું;
હદમાં જોયું, અનહદ જોયું;
ઊંડું જોયું, અઢળક જોયું. 

ચંદ્રકાંત શેઠ

એકવાર ‘અંદર’ ભાળવાનું આવડી જાય તો અઢળક ખજાનો ખૂલી જાય, માંહ્યલાની મબલખ મ્હોલાત હૈયાવગી થઈ  જાય પણ શબ્દો વાંચવા સહેલા લાગે, એની અંદર રહેલા પદારથને પામવા ભગીરથ પ્રયત્ન કરવો પડે. સફળ થયા તો પછી ‘અંદર તો એવું અજવાળું, અજવાળું…..’

3.2.21

*****

ડો. શિરીષ કાપડિયા

13-04-2021

બહેન, બધા જ કાવ્યો વાંચવાની બહુ મઝા આવી ગઈ. એકેય કાવ્ય અધૂરું છોડી ન શકાયું. વેણીભાઈ પુરોહિતના ગીત ને દિલીપભાઈ ધોળકિયાનાં સ્વરમાં સાંભળતાં ખોવાઇ જવાયું. કાવ્યો ની પસંદગી માટે ઘણા અભિનંદન.

વારિજ લુહાર

13-04-2021

આજે કાવ્ય વિશ્વ ૧૦૯ માં કવિશ્રી ચંદ્રકાંત શેઠ નું સુંદર કાવ્ય
વાંચવા મળ્યું..થોડા શબ્દોમાં આસ્વાદ ખૂબ ગમ્યો

પ્રફુલ્લ પંડ્યા

13-04-2021

કાવ્ય વિશ્વ એક પછી એક સુંદર કાવ્યો લ ઈ આવે છે.ઊંડેજોયું,અઢળક જોયું…વાહ. ! ઊંડાણનો ઝળહળાટ અને તળિયાનો તગતગાટ જોઈ ગયેલી કવિની આંખનાં એ દ્રશ્યો પછીથી વિવિધ રોમાંચક અનુભૂતિઓમાં અભિવ્યક્ત થાય છે. ઊંડે જોવું અધરું છે પરંતુ એક વાર દેખાઈ જાય ” ખબરું પડે કે ત્યાં તો અઢળક અઢળક પડેલું છે.ખૂબ મજાનું કાવ્ય !
પ્રફુલ્લ પંડ્યા

નીતા જોશી

13-04-2021

ખૂબ ખૂબ અભિનંદન લતાબેન, આ તો વિણેલા કાવ્યમોતી!!

Purushottam Mevada, Saaj

13-04-2021

મા. શેઠ સાહેબ ની કવિતા અદ્ભુત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: