સાબિર વટવા ~ રોકાઈ જાવ

રોકાઈ જાવ ~ સાબિર વટવા

ચંદ્ર ઝાંખો થાય છે, ‘રોકાઈ જાવ’ !
હમણાં વા’ણું વાય છે, રોકાઈ જાવ !

એક ઘડીભર રાતની છે શી વિસાત ?
વર્ષો વીતી જાય છે, રોકાઈ જાવ !

અપશુકન છે રોકવામાં, શું કરું ?
મારું દિલ ગભરાય છે, રોકાઈ જાવ !

ચીબરી બોલી રહી છે આંગણે,
વનમાં ઘુવડ ગાય છે, રોકાઈ જાવ !

વાટમારુ છે નિરાશા માર્ગમાં –
કાફલા લૂંટાય છે, રોકાઈ જાવ !

હોઠ ઉપર છે ‘ખુદા હાફિઝ !’ છતાં
દિલમાં કૈં કૈં થાય છે, રોકાઈ જાવ !

આજ ‘સાબિર’ વારે વારે શું કહું ?
હોઠે આવી જાય છે, રોકાઈ જાવ !

~ સાબિર વટવા (3.5.1907-14.4.1981)

સાત ધોરણ પાસ, એક ખેડૂત કવિ સાબિર વટવા. કવિનો મરણોત્તર ગઝલસંગ્રહ ‘ધ્રૂજતી પ્યાલી’ ઉમાશંકર જોશીએ સંપાદિત કર્યો અને ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રકાશિત કર્યો, જેમાં 74 ગઝલ અને 24 મુક્તક છે. ભાવ અને ભાષા બંનેમાં કવિનું ઝીણું નકશીકામ છે.

પ્રિયપાત્રને જવા દેવાનું મન ન જ થાય… પણ રોકાઈ જવાનું કહેવામાં કવિએ કેટલા કલ્પનો પ્રયોજયા છે !

કવિના જન્મદિને સ્મૃતિવંદન ! 

OP 3.5.22

સાજ મેવાડા.

03-05-2022

બધા શેર પ્રિય પાત્રને રોકવા વાપરી શકાય, મસ્ત ગઝલ. સ્મૃતિ વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: