રઘુનાથ બ્રહ્મભટ્ટ ~ સાહ્યબો મારો * Raghunath Brahmabhatt

સાહ્યબો મારો ગુલાબનો છોડ ~ રઘુનાથ બ્રહ્મભટ્ટ રસકવિ

હે…ક્યારે પૂરા થશે મનના કોડ ?
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

ઢળતો દેખાય છે સૂરજ આકાશમાં
ઘેલો થઇ ખેલે છે ફૂલોથી બાગમાં
ભમરાની જેમ તો ય માની જો જાય તો
કહેવી છે વાત એવી મારે પણ કાનમાં

હે.. મારા જોબનનું ઉગ્યું પરોઢ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

કલકલતાં ઝરણાંમા નદીયું છલકાય છે
નદીયુંના વ્હેણમાં સાગર મલકાય છે
ચાંદાને જોઇ સાગર ઝૂલે છે ગેલમાં
ધરતીનો છેડો જઇ આભમાં લહેરાય છે

હે.. નદીને સાગર થવાના જાગ્યા કોડ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

આંખોની વાત હવે હોઠો પર લાવીએ
ફૂલોની પાસ જઇ કોરા થઇ આવીએ
રોપીને આસપાસ મહેંદીના છોડને
માટીના કુંડામાં તુલસી ઉગાડીએ

હે.. હવે હમણાં તો હાથ મારો છોડ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

રઘુનાથ બ્રહ્મભટ્ટ ‘રસકવિ’

મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે…. ‘ ગીતના મૂળ રચયિતા, અને ગુજરાતી રંગભૂમિના ગીતો દ્વારા ગુજરાતી પ્રજાને પોતાના શબ્દોનું ઘેલું લગાડનાર ‘રસકવિ’ રઘુનાથ બહ્મભટ્ટનો આજે જન્મદિવસ… આપણા સર્વે તરફથી એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.

એક રઘુનાથ આવ્યા ને એમણે ગાયું : ‘નાગરવેલીઓ રોપાવ તારા રાજ મહેલોમાં’ ને હજારો ગુર્જર નારીઓએ એને ઝીલી લીધું. – મહાકવિ નાનાલાલ

રસકવિ રઘુનાથભાઇનો સ્નેહ મારી જેમ ઘણા માણસો પામ્યા હશે. એમની આંખમાં અમી ઊભરાતું હોય. ગુજરાતી ભાવગીતોને સમૃધ્ધ આપણી એ કલાકારે. – ઉમાશંકર જોષી

કવિના શરૂઆતના ત્રણ નાટકો, ત્રણેય સફળતા પામ્યાં. આ ખ્યાતિ કોઇપણ ઊગતા લેખકને અભિમાન આપે એવી છે. સદભાગ્યે કવિને અભિમાન તો ન આવ્યું, પણ નાટકો કવિતાપ્રધાન હતાં એટલે જીવનને કવિતાપ્રધાન કરી મુક્યું. – પ્રભુલાલ દયારામ દ્વિવેદી

રસકવિ રઘુનાથનું અર્પણ ગુજરાતી રંગભૂમિનું કાયમનું સંભારણું છે. કવિ ! તમે રંગભૂમિને અતોનાત પ્રેમ કર્યો છે. તમારો આ પ્રેમ અમારી પેઢીને વારસામાં મળ્યો. – હરીન્દ્ર દવે

કવિ રઘુનાથને ‘રસકવિ’નું બિરૂદ મળ્યું છે. આ નાટ્યલેખકે એકે નાટક ના લ્ખ્યું હોત અને ફક્ત ગીતો લખ્યાં હોત તો એમાંથી એવડો કાવ્યસંગ્રહ જરૂર થાત કે જેથી એ પોતાનું સ્થાન આપમેળે કોઇપણ પ્રતિષ્ઠિત કવિસંમેલનમાં પ્રાપ્ત કરી શકત. – ચંદ્રવદન ચી. મહેતા

સૌજન્ય : ટહૂકો.કોમ

આ ગીત નિશા ઉપાધ્યાય અને સોલી કાપડિયાના સ્વરમાં સાંભળો. 

કાવ્ય : રઘુનાથ બ્રહ્મભટ્ટ ‘રસકવિ’ * સ્વર નિશા ઉપાધ્યાય અને સોલી કાપડિયા

***

Varij Luhar

13-07-2022

અવિસ્મરણીય ગીત રચના.. સુંદર સ્વર સ્વરાંકન

સાજ મેવાડા

11-07-2022

‘રસકવિ’ શ્રીને સ્મૃતિ વંદન. સરસ ગીત માણવા મળ્યું.

છબીલભાઈ ત્રિવેદી

11-07-2022

કવિ શ્રી ના જન્મદિને તેમની સરસ મજાની રચના સાંભળવી ગમે તેવી આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: