કુમાર જિનેશ શાહ ~ આંખે ઝાંખપ

આંખે ઝાંખપ ~ કુમાર જિનેશ શાહ

આંખે ઝાંખપ ઊતરવાની ઉંમરે મૃગજળ આંજી બેઠાં..

હાય ! અમે શું માંડી બેઠાં?

ચેતવ્યો એક ચૂલો પંડે.. આતશને સંકોરી – ફૂંકી,

આંધણ મૂકી પળ પળ ઓર્યા, હવે ન જાઉં ટાણું ચૂકી.

કરવો’તો કંસાર અને આ રેતી શાને રાંધી બેઠાં?

હાય ! અમે શું માંડી બેઠાં?

ઘીના લથબથ વાસણમાંથી કાઢું કેમ કરી ચીકાશ?

આંખોના ખારાં, ઊનાં પાણીની ફાવી ના ભીનાશ.

છેવટ રેતી રગદોળીને હૈયું ઘસ-ઘસ માંજી બેઠાં!

હાય ! અમે શું માંડી બેઠાં?

~ કુમાર જિનેશ શાહ

પડખામાં પથરાયેલ અને વિસ્તરતી જતી શૂન્યતા ધીમે ધીમે પાંસળીઓમાં પ્રવેશવા માંડે ત્યારની પીડા અનુભવ વગર ન જ સમજાય. નતમસ્તક સ્વીકાર પછી દિવસે દિવસે વકરતી જતી વેદનાને પ્રવૃત્તિના પહાડ પણ ભરી શકતા નથી. ‘ઈશ્વર હાજરાહજૂર છે, પોકારો ને પ્રગટ થાય છે’ એ વાતો વિચારને હૂંફ આપે, હૃદયને નહીં. અલબત્ત એ સત્ય છે પણ એ અનુભૂત કરવાની કક્ષા આ જગતમાં જીવતા સાધારણ મનુષ્યની નથી. એને તો જોઈએ આંખ સામે ઉભેલું એક જીવતુંજાગતું વ્યક્તિત્વ, જે એનો હાથ પકડીને કહી શકે, ‘હું તારી સાથે છું.’

એક પ્રૌઢાને, હૃદયની તીવ્રતાને અવગણી શકાય એમ નથી અને ‘સંસ્કાર’ની સામાજીકતાને  ઉવેખાય એમ નથી ! આ બે વચ્ચેનો તરફડાટ આ ગીતમાં સરસ રીતે આલેખાયેલો છે. ખાસ કરીને ‘ઘીના લથબથ વાસણમાંથી કેમ કરી કાઢું ચીકાશ ?’ – આમાં કવિએ કમાલ કરી છે. પ્રતીક જે પસંદ કર્યું છે એ એક સ્ત્રીની જ હોય એવી કલ્પના અને માનવીમાં ભરેલી ઇચ્છાઓની અભિવ્યક્તિ – આ બંનેમાં મેદાન મારી જાય છે.

OP 10.7.22

***

Dipak Valera

11-07-2022

Wah

સાજ મેવાડા

10-07-2022

વાહ, ખૂબ જ સરસ અભિવ્યક્તિ. શું કરવા ધારીએ ને શું થઈ જાય.

કિશોર બારોટ

10-07-2022

આને કહેવાય મૌલીક અભિવ્યક્તિ. અદ્ભૂત
કવિને અનરાધારે અભિનંદન. 🌹

છબીલભાઈ ત્રિવેદી

10-07-2022

ખુબ ખુબ સરસ રચના બધા શેર સરસ આભાર લતાબેન

Kirtichandra Shah

10-07-2022

Ame mrgjar anji betha;Sunder Sunder Khub Dhanyvad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: